અફઘાનિસ્તાનના લોકો બાળકોને વેચવા કેમ મજબૂર છે?
સવાર પડતાંની સાથે જ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતની રાજધાની ચઘચરનના એક ધૂળિયા ચોકમાં સેંકડો પુરુષો ભેગા થાય છે.
તેઓ રસ્તાના કિનારે એવી આશા સાથે લાઇનમાં ઊભા રહે છે કે કોઈ આવીને તેમને કામ આપશે. તેમને મળતા કામને આધારે નક્કી થાય છે કે તેમનો પરિવાર તે દિવસે ભોજન પામશે કે નહીં.
જોકે સફળતાની શક્યતા ખૂબ ઓછી છે.
45 વર્ષીય જુમા ખાનને છેલ્લાં છ અઠવાંડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કામ મળ્યું છે, જેમાં રોજનું 150થી 200 અફઘાની (અંદાજે 2.35 થી 3.13 ડૉલર) વળતર ચૂકવાય છે.
તેમણે જણાવ્યું કે, "મારાં બાળકો સતત ત્રણ રાત ભૂખ્યાં સૂઈ રહ્યાં. મારી પત્ની રડતી રહી, મારાં બાળકો પણ રડતાં રહ્યાં. આખરે મેં પાડોશી પાસે લોટ ખરીદવાના પૈસા માંગ્યા."
"મને સતત બીક રહે છે કે મારાં બાળકો ભૂખથી મરી તો નહીં જાયને."
તેમની કહાણી પણ અલગ નથી.
સંયુક્ત રાષ્ટ્રના મતે આજના અફઘાનિસ્તાનમાં ચારમાંથી ત્રણ લોકો તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે તેમ નથી. બેરોજગારી વ્યાપક છે, આરોગ્યની સેવાઓ ખોરંભે ચડી છે અને લાખો લોકોને મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડતી સહાય ઘટી જઈને હવે જરાક જેટલી રહી ગઈ છે.

ઇમેજ સ્રોત, Imogen Anderson/BBC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



