ટ્રમ્પે ઈરાન પર હુમલો રોક્યો, સમજૂતી અંગે કર્યો આ દાવો – ન્યૂઝ અપડેટ

ટ્રમ્પે ઈરાન પર હુમલો રોક્યો, સમજૂતી અંગે કર્યો આ દાવો – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પહેલાં પણ ઘણી વખત ઈરાન સાથે સમજૂતી અંગે દાવો કરી ચૂક્યા છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે પ્રારંભિક કરાર ટૂંક સમયમાં થવાનો છે. તેમણે દાવો કરતા જણાવ્યું કે આ કારણે ઈરાન પરના હુમલાઓ રોકી દેવામાં આવ્યા છે.

ગુરુવારે ઓવલ ઑફિસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું, "અમે ઈરાન સાથે યુદ્ધ અંગે એક શાનદાર સમજૂતી કરી છે."

પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું, "અમારા કરાર અનુસાર ઈરાન પાસે ક્યારેય પણ પરમાણુ હથિયાર નહીં હોય, અને આ હેતુ હાંસલ કરવા માટે અમને ઘણી મહેનત કરવી પડી. તેથી આ ખૂબ મોટી વાત છે."

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઈલ બકાઈએ સરકારી ટેલિવિઝન પર કહ્યું કે કરાર સંબંધિત સમાચાર "માત્ર અટકળો" છે અને "હજુ સુધી કંઈ પણ નક્કી થયું નથી."

ટ્રમ્પ અગાઉ પણ આવો દાવો કરી ચૂક્યા છે કે બંને દેશો વિવાદ સમાપ્ત કરવા માટે કરારની નજીક છે. આ જાહેરાતના થોડા કલાકો પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાન પર "ખૂબ જ જોરદાર" હુમલો કરશે.

અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર મોટા પાયે હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ અને ખાડી વિસ્તારમાં અમેરિકાના સાથી દેશોનાં ઠેકાણાં પર હુમલા કર્યા અને હોર્મુઝ સામુદ્રધુની બંધ કરી દીધી.

હોર્મુઝ સામુદ્રધુની વિશ્વભરમાં તેલ અને ગૅસની સપ્લાય માટે એક મહત્ત્વપૂર્ણ સમુદ્રી માર્ગ છે.

એપ્રિલમાં યુદ્ધવિરામ પર સહમતી હોવા છતાં, અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા હુમલા થયા છે.

આ હુમલાઓની વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે શક્ય સમજૂતી અને કરાર વિશે પણ વારંવાર વાત કરતા રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન