ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ, પણ ચોમાસું હજુ સુધી કેમ નથી બેઠું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું હાલ ધીમું પડ્યું હોવાના અહેવાલ બાદ રાજ્યમાં વરસાદની કાગડોળે રાહ જોનારાનો ઇંતેજાર હજુ વધુ લંબાયો છે.

સવારે અને રાત્રે પવન અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યમાં આંશિક રાહતના અનુભવ છતાં ગુજરાતમાં દિવસે બફારો અને ઉકળાટની સ્થિતિથી લોકો ત્રસ્ત જોવા મળી રહ્યા છે.

ચોમાસાની પ્રારંભિક આગાહીઓ બાદ રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી, જોકે, બાદમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હોવાની વાતો બાદ ચોમાસું રાજ્યમાં તેની સામાન્ય તારીખ પણ ચૂકી ગયું અને હવે ચોમાસું મોડું પડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

હવામાન વિભાગ અને અન્ય એજન્સીઓ દ્વારા અગાઉ કહેવાયું હતું કે હવે ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું નબળું પડ્યું અને અરબી સમુદ્રની સિસ્ટમ નબળી પડતાં રાજ્યમાં ચોમાસું મોડું પહોંચે તેવું અનુમાન છે.

બીબીસી ગુજરાતીએ ગુજરાત તરફ આવી રહેલું ચોમાસું નબળું પડવાનાં કારણો અંગે વિગતવાર જાણવા માટે કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

અમદાવાદ સહિત ખેડામાં ધોધમાર વરસાદ

તો વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરા, નવસારી, તાપી, વસલાડ, સુરત, મહીસાગર, નર્મદા, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, સાંબરકાઠા વગેરે જિલ્લામાં છૂટાછવાયો વરસાદ પણ પડ્યો હતો.

અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વરસાદના આંકડા પર નજર કરીએ 19 જૂનના રોજ બે કલાકમાં ખેડાના ગલતેશ્વરમાં 2.56 ઇંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં 2.20 ઇંચ, પંચમહાલના ગોધરામાં 2.17 ઇંચ, કાલોલમાં 2.05, ઘોંઘબામાં 1.30 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ સિવાય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

તો બોટાદ જિલ્લાના કારિયાણી ગામે પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયાં હતાં.

ગુજરાતમાં હજુ સુધી કેમ નથી પહોંચ્યું ચોમાસું?

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન શાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા એમ. એમ. લુણાગરિયા જણાવે છે કે હવામાન વિભાગની આગાહી મુજબ, આ વર્ષે આખા ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. જેમાં સેન્ટ્રલમાં જેમાં ગુજરાત પણ સામેલ છે, તેમાં સરેરાશ કરતાં 94 ટકા કરતાં પણ ઓછા વરસાદની આગાહી છે.

તેઓ આગળ કહે છે કે, "જો ગુજરાતમાં પાછલાં 20 વર્ષ દરમિયાન પડેલા વરસાદના પ્રમાણનો અભ્યાસ કરવામાં આવે તો માલૂમ પડે છે કે ક્લાઇમેટ ચૅન્જની અસરને કારણે ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધે છે અને આ વખતે સુપર અલનીનોની સ્થિતિને કારણે વરસાદની અનિયમિતતા વધશે અને અમુક જગ્યાએ દુષ્કાળ જેવું થઈ શકે. જોકે, હાલની સ્થિતિ મુજબ, ગુજરાતમાં ખૂબ ગંભીર દુષ્કાળ પડવાની શક્યતા ઓછી છે."

"જો હાલની વાત કરીએ તો પાછલાં અમુક વર્ષો તરફ જોવામાં આવે તો ચોમાસું ગુજરાતમાં જૂન માસના અંતમાં થતું હોય છે. તેમજ ચોમાસું હાલ મહારાષ્ટ્રના મધ્ય ભાગ સુધી પહોંચી ગયું છે. જેવા જ ચોમાસાના પવનો થોડા પણ ઍક્ટિવ થશે, તે તરત જ ગુજરાતમાં ઍન્ટ્રી કરશે. જોકે, હજુ સુધી સાવ વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ હોય તેવું નથી. હજુ સુધી એવું પણ ન કહી શકાય કે ચોમાસું આ વખતે મોડું પડ્યું છે, જો ચોમાસું જુલાઈ માસની શરૂઆત બાદ પણ રાજ્યમાં ન પહોંચે તો આવું સ્થિતિ ઊભી થઈ એવું કહી શકાય."

હવામાન વિભાગે શું આગાહી કરી?

18 જૂનના રોજ ભારતના હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ આગામી ચાર-પાંચ દિવસ સુધી નૈઋત્ય ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગો સુધી આગળ વધે તે માટેની સાનુકૂળ સ્થિતિ છે.

18 જૂનના રોજ બપોરના 12 વાગ્યે જાહેર કરાયેલી આગાહી મુજબ, 18 જૂનના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે.

19 જૂનના રોજ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. ઉપરાંત, રાજ્યના બધા જિલ્લામાં શુષ્ક હવામાન રહી શકે છે.

ઉપરાંત, 20 જૂનની આગાહી પ્રમાણે, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. ઉપરાંત, રાજ્યના બધા જિલ્લામાં શુષ્ક હવામાન રહી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન