You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દરિયો જ અમારું ઘર છે', મહિનાઓ સુધી વહાણોમાં રહેતા ખલાસીઓનું જીવન કેવું હોય છે?
- લેેખક, લક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
સમગ્ર વિશ્વમાં માલસામાનનું પરિવહન કરતાં જહાજો પર લાખો ભારતીયો કામ કરે છે. તેમને મલ્લાહ અથવા ખલાસી કહેવામાં આવે છે. વિશ્વભરનાં વિવિધ જહાજોમાં લગભગ ત્રણ લાખ ભારતીય ખલાસીઓ કાર્યરત છે.
વિશ્વના નૌકાકર્મીઓમાં ભારતીયોનો હિસ્સો 17 ટકા છે અને વિશ્વમાં દરેક પાંચમાંથી એક ખલાસી ભારતીય છે.
ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજ સેટબેલો પર અમેરિકન નૌકાદળે નવમી જૂને કરેલા હુમલામાં વિશાખાપટ્ટનમના ચીફ ઍન્જિનિયર પટનલા સુરેશ સહિત ત્રણ ભારતીયો માર્યા ગયા હતા. આ ઘટનાએ ખલાસીઓના જીવન વિશે ચર્ચા છેડી છે.
વૈશ્વિક વેપારની કરોડરજ્જુ ગણાતા આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનું જીવન કેવું હોય છે, એ જાણવા માટે બીબીસી તેલુગુએ કેટલાક ખલાસીઓ સાથે વાત કરી હતી.
નિવૃત્ત નાવિક શવુકારી નાગેશ્વર રાવે બીબીસીને જણાવ્યું હતું કે કૉમર્શિયલ નૌકાદળમાં કામ કરવું એ "યુદ્ધમાં જવા જેવું હોય છે."
દરિયામાં નવ મહિના કેવી રીતે પસાર થયા?
સારી આવક, દુનિયાભરમાં ફરવાની તક અને પરિવાર માટે નાણાકીય સુરક્ષા. આ બાબતો ઘણા લોકોને આ ક્ષેત્ર તરફ આકર્ષે છે.
ખલાસીઓના કહેવા મુજબ, "ટ્રેનિંગના સ્તરે માસિક આવક રૂ. 40,000થી રૂ. 50,000 સુધીની હોય છે. અનુભવ વધવાની સાથે તે રૂ. એક લાખથી વધુ થઈ શકે છે. કેટલાક પદો પર માસિક રૂ. 2,35,000થી વધારે કમાણીની સંભાવના પણ હોય છે."
અલબત, આવી આવક પ્રાપ્ત કરવા તમે એકવાર જહાજ પર ચડો પછી તમારે દરિયામાં છથી નવ મહિના વિતાવવા પડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહિનાઓ સુધી સમુદ્ર પર જ રહેવું પડે ત્યારે કેવું લાગે?
અરજાલા ચાંટીએ બીબીસીને કહ્યું હતું કે "નાવિકો માટે સમુદ્ર જ ઘર હોય છે."
અરજલા ચાંટી આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના પોલાકી મંડલના કોથારેવુમાં સ્થિત દરિયાકાંઠાના એક ગામના છે.
તેમણે ફક્ત ઇન્ટરમીડિયેટ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમનું કહેવું છે કે મર્ચન્ટ નેવીમાં કામ કરવાથી તેઓ તેમના પરિવારનું ભરણપોષણ કરી શકે છે.
તેઓ એક દેશથી બીજા દેશની યાત્રા કરતી વખતે દરિયામાં મહિનાઓ વિતાવે છે. બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે એ જાણવા માટે તેમણે ઇન્ટરનેટનો સહારો લેવો પડે છે.
મર્ચન્ટ નેવી જહાજો પર કામ કરતા નાવિક અરજલા આંટીએ કહ્યું હતું કે, "બહારની દુનિયામાં શું થઈ રહ્યું છે તેની માહિતી મેળવવાનો એકમાત્ર રસ્તો અમારા માટે ઇન્ટરનેટ હોય છે. અમે 24 કલાક જહાજ પર હોઈએ છીએ."
ઘણાં જહાજોમાં સૅટેલાઇટ ઇન્ટરનેટની વ્યવસ્થા હોય છે, પરંતુ તેની કેટલીક મર્યાદા હોય છે.
ખલાસીઓના જણાવ્યા મુજબ, કેટલીક કંપનીઓ "દર મહિને માત્ર આઠથી 20 જીબી ડેટા" આપે છે.
"તેથી અમે ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જ વિચારપૂર્વક અને કાળજીપૂર્વક કરીએ છીએ. મર્યાદાથી વધારે ઇન્ટરનેટનો ઉપયોગ કરો તો ડેટા તમને પાછો મળતો નથી."
અરજલા આંટીએ કહ્યું હતું કે,"જરૂર હશે ત્યારે ઇન્ટરનેટ કશું આપશે નહીં. તમારે તમારા ડેટાને સોના જેવો ગણવો પડે."
નાવિકો જહાજ પર રહીને તોફાન, મોજાં, અકસ્માતોનો સામનો કેવી રીતે કરે છે?
સમુદ્રમાં જીવન ફક્ત મુસાફરી કરવા પૂરતું મર્યાદિત હોતું નથી. તોફાનો, વિશાળ મોજાં અને અણધારી પરિસ્થિતિઓ પણ તેનો એક હિસ્સો હોય છે.
નાગેશ્વર રાવે જંગી મોજાંમાં 18 દિવસ સુધી ફસાયેલા રહેવાના પોતાના અનુભવને યાદ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, "એ સમયે અમે યોગ્ય રીતે જમી પણ શકતા ન હતા. વાસણો સુદ્ધાં એક જગ્યાએ પડ્યાં રહેતાં ન હતાં."
"કૅબિનમાં હોવા છતાં અમને એવું લાગતું હતું કે અમે પડી જઈશું."
અરજલા ચાંટીના કહેવા મુજબ, "અમારી ચારે તરફ સમુદ્ર સિવાય કશું હોતું નથી. તેથી અમને ડર લાગે છે."
સમુદ્ર કરતાં પણ વધારે ખતરનાક હોય છે જહાજો
ખતરો હંમેશાં સમુદ્રમાંથી આવતો નથી.
એક ઘટનાને યાદ કરતાં નાગેશ્વર રાવે જણાવ્યું હતું કે એક વખત તેઓ જહાજની ટાંકીમાં પડી ગયા હતા. સમારકામ દરમિયાન આગ લાગી ત્યારે તેઓ એક વધુ અકસ્માતમાંથી ઊગરી ગયા હતા.
તેથી મર્ચન્ટ નેવીમાં જોડાવા ઇચ્છતા લોકોને પહેલા ખાસ તાલીમ આપવામાં આવે છે.
તેમણે જણાવ્યુ હતું કે, આગના જોખમ, ડૂબવાની પરિસ્થિતિ અને કટોકટીમાં બચાવનાં પગલાં માટેની તાલીમ અનિવાર્ય હોય છે.
જહાજ પર કોઈ બીમાર પડો તો શું થાય?
દરિયામાં મહિનાઓ વિતાવતા ખલાસીઓને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા સર્જાય તો તેમને મદદ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
જહાજના અધિકારીઓ કંપનીના ડૉક્ટર્સ સાથે મસલત કરે છે.
ખલાસીઓના કહેવા મુજબ, કટોકટીની પરિસ્થિતિમાં દર્દીને હેલિકૉપ્ટર દ્વારા હૉસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
અરજલા ચાંટીના કહેવા મુજબ, "કંપનીના ડૉક્ટર ઉપલબ્ધ હોય છે. અમને સ્વાસ્થ્ય સંબંધી કોઈ તકલીફ થાય તો અમે જહાજ પરના સેકન્ડ ઑફિસરને જણાવીએ છીએ."
"તેઓ કંપનીને ઇમેઈલ કરીને જણાવે છે કે ચોક્કસ રેન્કના અધિકારી અસ્વસ્થતા અનુભવી રહ્યા છે."
"કંપનીને દરેક બાબતની જાણકારી આપવી જરૂરી હોય છે. કોઈ નિર્ણય જાતે લેવાનો હોતો નથી."
"કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો હેલિકૉપ્ટર બોલાવવામાં આવે છે. બીમાર નાવિકને નજીકના બંદર પર લઈ જવામાં આવે છે અને ત્યાંથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે."
સમુદ્રમાં ચાંચિયાઓનો ડર કેટલો ગંભીર છે?
વિશ્વના ઘણા દરિયાઈ માર્ગો પર ચાંચિયાઓનો ખતરો હજુ સુધી સંપૂર્ણપણે દૂર થયો નથી.
નાગેશ્વર રાવે કહ્યું હતું કે, "ચાંચિયાઓએ જહાજોની પાસે જવાના પ્રયાસ કર્યા હોય, એવી ઘટનાઓ કેટલાક વિસ્તારોમાં બની છે. એવા સમયે સલામતીનાં વધારે પગલાં લેવામાં આવે છે."
ખલાસીઓના જણાવ્યા મુજબ, વિશ્વના ઘણા દરિયાઈ માર્ગો પર, ખાસ કરીને આફ્રિકાના દરિયાકાંઠાની નજીકના જળક્ષેત્રોમાં ભતકાળમાં ચાંચિયાઓના હુમલા વારંવાર થતા રહ્યા છે. સમુદ્રી લૂંટફાટના ખતરાનું હજુ સુધી સંપૂર્ણપણે નિરાકરણ થયું નથી.
નાગેશ્વર રાવના જણાવ્યા મુજબ, નાનાં જહાજો સુધી પહોંચવા માટે ચાંચિયાઓ ઘણીવાર નાની હોડીઓનો ઉપયોગ કરતા હતા.
"આવાં ક્ષેત્રોમાં મુસાફરી કરતી વખતે જહાજો પર સલામતીનાં વધારાનાં પગલાં લેવામાં આવે છે."
"તેમાં ડેકની આસપાસ ખાસ અવરોધો લગાવવાનો, 24 કલાક દેખરેખ રાખવાનો અને સુરક્ષા કર્મચારીઓને તહેનાત કરવાનો સમાવેશ થાય છે."
"ભયનો સંકેત મળતાંની સાથે જ આજુબાજુના દેશોના કોસ્ટગાર્ડ અને નૌકાદળને જાણ કરવાની વ્યવસ્થા પણ છે."
"જોકે, મધદરિયે એકલા મુસાફરી કરતી વખતે ચાંચિયાઓ વિશે વિચારીને ચિંતા થવી સ્વાભાવિક છે."
નાગેશ્વર રાવે કહ્યું હતું કે, "ડર લાગે છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા હોય જ છે."
જહાજ પર જીવન કેવું હોય છે?
સમુદ્રમાં મહિનાઓ સુધી રહેવા છતાં ખલાસીઓ પોતાના માટે એક નાનકડી દુનિયા બનાવી લેતા હોય છે.
કામના કલાકો પછી આરામ કરવા અને તાણ ઘટાડવા માટે જહાજ પર જાતજાતની સુવિધાઓ હોય છે.
ઘણાં જહાજોમાં જીમ, ટેબલ ટેનિસ અને સ્વિમિંગ પુલ વગેરે જેવી સુવિધાઓ હોય છે. જહાજ પર કામ કરતા લોકો બાર્બેક્યુ પાર્ટીઓ અને નાનાં સમારંભોનું આયોજન પણ કરે છે.
કેટલાંક મોટાં જહાજો પર તો ક્રિકેટ મૅચ પણ રમવામાં આવે છે, એવું ચાંટી અને નાગેશ્વર રાવે જણાવ્યું હતું.
ચાંટીએ કહ્યું હતું કે, "જહાજ પર બધાની કૅબિન હોય છે. સાંજે તમે જિમમાં જઈ શકો છો. તમે મૅસ રૂમમાં પાર્ટી કરી શકો છો."
"એ ઉપરાંત દર પખવાડિયે એકવાર બાર્બેક્યુ પાર્ટીઓ પણ થાય છે."
તેમના જણાવ્યા મુજબ, ફ્રી સમયમાં તેઓ સાથી કર્મચારીઓ સાથે વાત કરે છે.
ફિલ્મો નિહાળે છે અને કસરત કરે છે. તેઓ જન્મ દિવસ અને તહેવારોની ઉજવણી પણ કરે છે.
ચાંટી અને નાગેશ્વર રાવે કહ્યું હતું કે, "અમે અમારા મોટા જહાજ પર દર શનિવારે ક્રિકેટ રમતા હતા. તેમાં એક સ્વિમિંગ પુલ, ટેબલ ટેનિસ અને એક જિમ પણ હતું. મુસાફરી લાંબી હોય તો અમે દર પખવાડિયે બાર્બેક્યુ પાર્ટી કરતા હતા."
તેમણે જણાવ્યું હતું કે સેંકડો કિલોમીટર સુધી જમીન ભલે ન દેખાતી હોય, પરંતુ અમે જહાજને અમારું બીજું ઘર બનાવી લઈએ છીએ.
નાવિક દરિયામાં હોય ત્યારે પરિવાર કેવી પ્રતીક્ષા કરે છે?
સમુદ્રમાં ફસાયેલા માણસની કહાણી જેટલી મુશ્કેલ હોય છે, તેટલી જ લાગણીસભર કથા કિનારે રાહ જોઈ રહેલા તેમના પરિવારજનોની હોય છે.
નાગેશ્વર રાવનાં પત્ની ઉષારાણીએ જણાવ્યું હતું કે અગાઉ તો દર બે મહિને એક જ વખત સમાચાર મળતા હતા, પરંતુ વીડિયો કૉલ અને ઇન્ટરનેટની સુવિધાના આગમન સાથે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.
જોકે, પરિવારથી દૂર રહેવાથી જે એકલતા સર્જાય છે તેમાં કોઈ ફરક પડતો નથી.
ઉષારાણીએ કહ્યું હતું કે "પરિવારનો વડો ઘરે ન હોય તો મુશ્કેલી સર્જાય છે, પરંતુ અમે બધી મુશ્કેલીનો સામનો કર્યો છે."
ઉષારાણી અને નાગેશ્વર રાવે તેમના બંને પુત્રોને મર્ચન્ટ નેવીની તાલીમ અપાવી છે. એક દીકરો સાત વર્ષથી દરિયામાં ફરજ બજાવી રહ્યો છે, જ્યારે બીજો દીકરો નાવિક તરીકે ભરતી થયો હતો, પરંતુ તેને દરિયામાં કામ કરવાનું ગમ્યું નહીં. તેથી તે સૉફ્ટવેર ક્ષેત્રે કાર્યરત છે.
મર્ચન્ટ નેવીમાં પૈસા ઘણા મળે છે, પણ ઘણી મુશ્કેલીઓ પણ હોય છે
જોખમ, એકલતા અને મહિનાઓ સુધી પરિવારથી દૂર રહેવાની મજબૂરી છતાં હજારો લોકો આવી નોકરી પસંદ કરે છે. તેમનું કહેવું છે કે આ કામથી તેમના પરિવારોને આર્થિક સલામતી મળે છે.
નાગેશ્વર રાવે કહ્યું હતું કે "આજે હું ખુશ છું, કારણ કે મેં મર્ચન્ટ નેવીમાં સેવા આપી હતી."
પોતે બનાવેલા બે માળના બંગલા, બંગલાની સામે ઉભેલી કાર અને ઍનફિલ્ડ મોટરસાયકલ તરફ ઇશારો કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બધું મર્ચન્ટ નેવીને કારણે શક્ય બન્યું છે.
તેમણે તેમના આ કામનો સાર જણાવતાં કહ્યું હતું કે, "અમે પરિવારથી દૂર રહીશું. અમને વધારે પૈસા મળશે. અમે આ બંને બાબતોથી ટેવાઈ જઈશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન