વિમ્બલ્ડનના ટુવાલથી લઈને સ્કોચ સુધી; ભારત-બ્રિટન વચ્ચે વેપાર કરારથી ખરીદદારોને કેટલો ફાયદો થશે?

આ વ્યાપાર સંધિ પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી કટ્ટર હરીફાઈનો સામનો કરી રહેલી ભારતની વસ્ત્રોની નિકાસને વેગ આપી શકે છે

ઇમેજ સ્રોત, NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, આ વ્યાપાર સંધિ પાકિસ્તાન અને બાંગ્લાદેશ તરફથી કટ્ટર હરીફાઈનો સામનો કરી રહેલી ભારતની વસ્ત્રોની નિકાસને વેગ આપી શકે છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

વિમ્બલ્ડન ટૅનિસ ટુર્નામેન્ટ માટે ચૅમ્પિયનશિપ ટૉવેલ્સ (ટુવાલ) બનાવનારી ભારતીય કંપની વેલસ્પન લિવિંગની ઑફિસોમાં બુધવારથી અમલી બનેલા ઇન્ડિયા-યુકે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (એફટીએ) (ભારત-યુકે મુક્ત વેપાર સંધિ)નો પૂરેપૂરો લાભ ઉઠાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

હોમ ટેક્સ્ટાઇલ ઉત્પાદન ક્ષેત્રની આ અગ્રણી કંપનીનો સમાવેશ દેશની વિશાળ કંપનીઓમાં થાય છે અને તે જ્હોન લુઇસ અને ટેસ્કો સહિતના ઘણા અગ્રેસર હાઇ-સ્ટ્રીટ રિટેલર્સને બેડશીટ્સ તથા ટુવાલની સપ્લાય કરે છે.

વેલસ્પન લિવિંગનાં સીઇઓ દિપાલી ગોયન્કાએ બીબીસીને જણાવ્યું હતું, "આ પૈકીની ઘણી બ્રાન્ડ્ઝે આગામી થોડાં વર્ષો સુધીની વ્યાવસાયિક યોજના નક્કી કરવા માટે તાજેતરનાં સપ્તાહોમાં ભારતની મુલાકાત લીધી હતી. સામાન્યપણે અમે અમારા અમેરિકન ગ્રાહકો માટે જ આવી સંયુક્ત ભાવિ યોજનાઓ ઘડતાં હતાં, પણ હવે બ્રિટિશ ક્લાયન્ટ્સ સાથે પણ આવી યોજનાઓ આકાર પામી રહી છે."

"હકીકતમાં, અત્યારે આપણે વાત કરી રહ્યાં છીએ, ત્યારે લંડન સ્થિત અમારી સપ્લાય ચેઇનની ટીમ જ્હોન લુઇસની ઑફિસમાં બેસીને ચર્ચા કરી રહી છે."

વિશ્વનાં પાંચમા અને છઠ્ઠા સૌથી વિશાળ અર્થતંત્રો વચ્ચેનું આ એફટીએ બ્રિટન મોકલવામાં આવતી ભારતની 99 ટકા નિકાસો અને ભારતમાં આવતી બ્રિટનની 90 ટકા આયાતો પરનો ટેરિફ હટાવે છે કાં તો ઓછો કરે છે.

બ્રિટનની સરકારે આને ઇયુ છોડ્યા બાદની "બ્રિટનની સૌથી મોટી અને આર્થિક દૃષ્ટિએ સૌથી નોંધપાત્ર દ્વિપક્ષી વેપાર સંધિ" ગણાવી છે. આ કરારને કારણે લાંબા ગાળે બ્રિટનના જીડીપીમાં પ્રતિ વર્ષે અંદાજે 0.13 ટકા (4.8 અબજ પાઉન્ડ અથવા 6.4 અબજ ડૉલર)નો અને ભારતના જીડીપીમાં 0.06 ટકા (અંદાજે 5.1 અબજ પાઉન્ડ)નો વધારો થવાનો અંદાજ છે.

કાપડ, વસ્ત્રો, ફૂટવેર, કાર અને દરિયાઈ ઉત્પાદનો જેવાં માનવ શ્રમ માગી લેનારાં ક્ષેત્રો વ્યવસાય વૃદ્ધિ વધારવા માટે આ કરારના અમલીકરણ પર મોટી આશા રાખી રહ્યા છે.

ગોયન્કાએ કહ્યું હતું, "મને અપેક્ષા છે કે, બ્રિટનમાં અમારી નિકાસ હવે બેવડા આંકડાની વૃદ્ધિ સાધશે."

તેઓ ઉમેરે છે કે, બાંગ્લાદેશ અને પાકિસ્તાન જેવા દેશોની તુલનામાં ભારતને નુકસાન થતું હતું, કારણ કે તે દેશોની નિકાસો ડેવલપિંગ કન્ટ્રીઝ ટ્રેડિંગ સ્કીમ (ડીસીટીએસ) મારફત બ્રિટનમાં ડ્યૂટી-ફ્રી (કરમુક્ત) પ્રવેશ મેળવતી હતી, જેની સામે ભારત 12 ટકા ટેરિફ ચૂકવતું હતું.

પણ હવે પરિસ્થિતિ બદલાશે.

"જો તમે એકલા હોમ ટેક્સટાઇલ્સ પર જ નજર કરો, તો બ્રિટનની નિકાસમાં પાકિસ્તાનનો હિસ્સો લગભગ 55 ટકા છે, જ્યારે ભારતનો હિસ્સો માત્ર છથી સાત ટકા જ છે. આ અંતર હવે આપણે પૂરી શકીશું."

આવનારા દિવસો વેપારની ગતિને કેવી દિશા આપશે?

ભારત અને બ્રિટને 2022માં વેપાર સંધિ વિશે વાટાઘાટો શરૂ કરી હતી અને જુલાઈ 2026માં ઔપચારિક રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત અને બ્રિટને 2022માં વેપાર સંધિ વિશે વાટાઘાટો શરૂ કરી હતી અને જુલાઈ 2026માં ઔપચારિક રીતે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વળી, આ સંધિ બ્રિટિશ આલ્કોહૉલ અને સ્પિરિટ કંપનીઓ માટે પણ મહત્ત્વની પુરવાર થઈ શકે છે.

રાજધાની દિલ્હી સ્થિત ઇમ્પૉર્ટ હાઉસ મોડર્ન ડ્રિન્ક્સ પ્રાઇવેટ લિમિટેડના અવનીતસિંહ જણાવે છે કે, સ્કોચ-વ્હિસ્કી પરની કસ્ટમ્સ ડ્યૂટી 150 ટકા હતી, તે તાત્કાલિક ઘટાડીને 75 ટકા અને પછી આગામી દસ વર્ષોમાં ધીમે-ધીમે 40 ટકા કરી નાખવાનો નિર્ણય ઘણું મોટું પરિવર્તન છે, તે જેવો-તેવો સુધારો નથી.

સિંહ આગળ કહે છે કે, તેનાથી આયાતોને કેટલો વેગ મળશે, તે આવનારા મહિનાઓમાં વધુ સ્પષ્ટ થશે. તેમ છતાં તેઓ વેપારમાં નવી ગતિ જોઈ રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું, "અત્યારે અમે કામકાજી સ્તરને સજ્જ રાખવા પર ધ્યાન આપી રહ્યા છીએ. તેનો અર્થ એ કે, બ્રિટનના સપ્લાયરો સાથે મળીને એ સુનિશ્ચિત કરવું કે, સર્ટિફિકેટ્સ ઑફ ઑરિજિન અને વેપારલક્ષી અન્ય દસ્તાવેજો બરાબર હોય, કસ્ટમ્સ અને અનુપાલનની આવશ્યકતાઓની સમીક્ષા કરવી તથા લૉજિસ્ટિક્સ તથા ક્લિયરિંગ પાર્ટનર્સ સાથે સંકલન કરવું, જેથી શિપમેન્ટ્સને ટેરિફના નવા માળખાનો પહેલા દિવસથી જ લાભ મળી શકે."

તેમના મતે, અત્યાર સુધીનો સમયગાળો ઝડપી વિસ્તરણને બદલે કાળજીપૂર્વકની તૈયારીઓનો રહ્યો છે. એક વખત વ્યવસાયો આયાતી ચીજવસ્તુઓ પર વાસ્તવિક બચત થતી જોશે, એ પછી મોટા ફેરફારો જોવા મળશે.

જોકે, ઉદ્યોગનાં તે થોડાં ક્ષેત્રો ઉપરાંત આ સોદાની સર્વાંગી અસર પરિવર્તનકારી રહેવાને બદલે ધીમે-ધીમે વધતી જોવા મળશે, એમ ટ્રેડ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

દિલ્હી સ્થિત થિન્ક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિએટિવ (જીટીઆરઆઇ)ના ડેટા દર્શાવે છે કે, ભારતે નાણાંકીય વર્ષ 2025-26માં બ્રિટનને 13.4 અબજ ડૉલરના મૂલ્યની ચીજવસ્તુઓની નિકાસ કરી હતી, તેમ છતાં આ પૈકીની અડધા કરતાં વધુ નિકાસોએ તેના મોસ્ટ ફેવર્ડ નૅશન (સૌથી પસંદગીના દેશ)ની વ્યવસ્થા હેઠળ કોઈપણ ડ્યૂટી ચૂકવ્યા વિના દેશમાં પ્રવેશ મેળવ્યો હતો.

ઘણા વણઉકલ્યા પડકારો અવરોધરૂપ બની શકે

બ્રિટન-ભારત વેપાર સંધિ સ્કોચ વ્હિસ્કી પરનો ટેરિફ 150 ટકાથી ઘટાડીને તાત્કાલિક ધોરણે 75 ટકા કરે છે

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રિટન-ભારત વેપાર સંધિ સ્કોચ વ્હિસ્કી પરનો ટેરિફ 150 ટકાથી ઘટાડીને તાત્કાલિક ધોરણે 75 ટકા કરે છે

આયાતના મોરચે, ભારતે બ્રિટનમાંથી 11.7 અબજ ડૉલરની આયાત કરી હતી અને તેમાં 45 ટકા કરતાં વધુ પ્રમાણ ચાંદીનું રહ્યું હતું, જે ભારતની બાકાત રાખવામાં આવેલી યાદીમાં સામેલ છે અને તે આ કરારમાંથી બહાર છે.

જીટીઆરઆઇના અજય શ્રીવાસ્તવે બીબીસીને જણાવ્યું હતું, "હવે ખરી કસોટી એ છે કે, કાપડ, વસ્ત્રો, ફૂટવેર, કાર્પેટ્સ, કાર, સીફૂડ, દ્રાક્ષ અને કેરી જેવાં અગાઉ ચારથી 16 ટકાના બ્રિટિશ ટેરિફનો સામનો કરી ચૂકેલાં ઉત્પાદનોની નિકાસના ઑર્ડર વધે છે કે નહીં, નિકાસનું પ્રમાણ વધે છે કે નહીં અને નફાનું માર્જિન સુધરે છે કે નહીં. આ સૂચકો જ કરારની સફળતાનો સ્પષ્ટ પુરાવો પૂરો પાડશે. એફટીએની અસર આગામી એકથી ત્રણ વર્ષમાં સ્પષ્ટપણે દેખાવી જોઈએ."

પરંતુ, શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, બ્રિટને સ્થાનિક ઉત્પાદકોને સુરક્ષા પૂરી પાડવા માટે સ્ટીલની આયાત ઉપર એક ચોક્કસ ક્વોટાથી ઉપર ટેરિફ જાળવી રાખ્યો છે, તે સહિતના ઘણા વણઉકલ્યા પડકારો આ સોદાનો પૂરેપૂરો લાભ મેળવવા આડે અવરોધરૂપ બની શકે છે.

આ સિવાય, બ્રિટનનો પ્રસ્તાવિત કાર્બન ટૅક્સ (જે CBAM કહેવાય છે) પણ એફટીએના અમુક લાભો ઓછા કરી શકે છે, કારણ કે, એફટીએ હેઠળ ટેરિફ ઘટીને શૂન્ય થઈ જાય, તો પણ કાર્બન સંબંધિત બોર્ડર ચાર્જ સીબીએએમ દ્વારા આવરી લેવામાં આવેલાં ક્ષેત્રોમાં ભારતીય નિકાસનો અસરકારક ખર્ચ વધારી શકે છે, જે વેપાર માટે નવી અડચણો ઊભી કરશે, એમ શ્રીવાસ્તવે ઉમેર્યું હતું.

આ ઉપરાંત અન્ય નોન-ટેરિફ અવરોધો પણ પડકારો યથાવત્ રાખે છે.

ઐતિહાસિક રીતે ભારતે એફટીએનો ઉપયોગ ઓછો કર્યો છે, કારણ કે, ઘણા નાના વ્યવસાયો મોટાભાગે નવા નિયમોથી અજાણ હોય છે. પરિણામે ભારતની પાત્ર નિકાસમાંથી માત્ર 20થી 30 ટકા જેટલી નિકાસ જ એફટીએની રાહતોનો ઉપયોગ કરતી હોવાનો અંદાજ છે, જોકે, આયાતના મોરચે વપરાશનો દર ઘણો વધારે હોય છે.

ઉદાહરણ તરીકે, ભારતીય ગાર્મેન્ટ નિકાસકારે બ્રિટનના ખરીદકર્તાને એ જણાવવું પડશે કે, શર્ટ્સ પરની ઇમ્પૉર્ટ ડ્યૂટી 12 ટકાથી ઘટીને શૂન્ય થઈ ગઈ છે અને તેમણે તે પ્રમાણે કિંમતો કે કરારો વિશે પુનઃ વાટાઘાટો કરવી પડશે.

ભારત માટે ખરા સમયે તક

ઘણા લોકોને મૂળ આવશ્યકતાઓ અને દસ્તાવેજોનું અનુપાલન કરવા માટે તાલીમની જરૂર પડશે, જેથી તેઓ પસંદગીના ટેરિફ ક્લેઇમ કરી શકે.

શ્રીવાસ્તવ કહે છે, "સરકાર અને ઉદ્યોગનાં સંગઠનોએ આ પ્રશ્નો ઉકેલવા માટે સક્રિય રીતે કામ કરવું પડશે, કારણ કે, જો એમ નહીં કરાય, તો ટેરિફમાં થયેલો ઘટાડો પોતાની મેળે ઊંચી નિકાસોમાં નહીં પરિણમે."

જોકે, કેરએજ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ભારત માટે આ એવી તક છે, જે ખરા સમયે આવી છે, ખાસ કરીને રેડીમેડ ગાર્મેન્ટ્સ (આરએમજી) જેવા ચોક્કસ ઉદ્યોગોમાં.

બ્રિટનની આરએમજી આયાતમાં ચીન સૌથી ઊંચો બજાર હિસ્સો ધરાવે છે, જોકે, ઘટી રહેલી સ્પર્ધા તથા ઊંચા શ્રમ ખર્ચને કારણે તે સતત તેનો બજાર હિસ્સો ગુમાવી રહ્યું છે. વધુમાં, બ્રાન્ડ્ઝ તાજેતરમાં જ સામાજિક-રાજકીય ઉથલ-પાથલનો ભોગ બનેલા બાંગ્લાદેશ જેવા દેશોમાંથી પણ સોર્સિંગનું વૈવિધ્ય શોધી રહી છે.

કેરએજે તેના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, "આ પરિસ્થિતિમાં ભારત બ્રિટનમાં આરએમજીની આયાતમાં તેનો બજાર હિસ્સો 2024માં છ ટકા હતો, તે નજીકથી મધ્યમ ગાળામાં 12 ટકા કરે, એવી અપેક્ષા છે."

કેરએજના મતે, એકંદર દ્વિપક્ષી વેપારમાં પણ દર વર્ષે 15 ટકાનો વધારો થઈ શકે છે, જે હાલના 10થી 12 ટકાના વૃદ્ધિ દર કરતાં વધારે છે, જેમાં બંને દેશોના ગ્રાહકોને ઉત્પાદનની સુધરેલી ગુણવત્તા અને વ્યાપક પસંદગીનો લાભ મળશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન