ગુજરાતમાં વરસાદની શક્યતા, હવામાન પલટો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કેવી અસર દેખાશે?
ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં વરસાદ ઓછો થતો જાય છે અને મોટા ભાગના વિસ્તારમાં સૂકું વાતાવરણ છે.
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ગીર સોમનાથના તાલાલામાં એક ઇંચ, જૂનાગઢના ભેસાણમાં 0.79 ઇંચ, જામનગરના કાલાવડમાં 0.75 ઇંચ, જૂનાગઢના વીસાવદરમાં 0.43 ઇંચ અને અમરેલીના બગસરામાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે.
હાલમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી રહી છે જેમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરપુર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી ચોમાસાની વિદાયની લાઈન પસાર થાય છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાતના મોટા ભાગના વિસ્તાર, મધ્ય પ્રદેશ, સમગ્ર જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગ પરથી આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લેશે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



