ટ્રમ્પે મહિલા પ્રદર્શનકારીઓની ફાંસી રદ કરવા બદલ ઈરાનના કર્યા વખાણ, ઈરાને શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, truthsocial/@realDonaldTrump
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જે આઠ ઈરાની મહિલા પ્રદર્શનકારીઓને ફાંસી આપવાની હતી, તેમને હવે ફાંસી નહીં આપવામાં આવે. જોકે, ઈરાને સ્પષ્ટ કર્યું કે આ મહિલાઓને ફાંસી આપવાનો તેનો કોઈ ઇરાદો નહોતો.
ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઘણા સારા સમાચાર આવી રહ્યા છે. મને જણાવવામાં આવ્યું કે એ તમામ આઠ મહિલા પ્રદર્શનકારીઓને નહીં મારવામાં આવે. તે પૈકી ચારને તો તરત જ છોડી મૂકવામાં આવશે અને બાકીની ચારને એક મહિના સુધી જેલમાં રહેવું પડશે. હું ઈરાન અને તેના નેતાઓની આ માટે સરાહના કરું છું કે તેમણે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની મારી અપીલ માનીને આ મહિલાઓની ફાંસીની સજા રદ કરી."
ટ્રમ્પે મંગળવારે ઈરાની શાસનને આ મહિલાઓ મામલે પૂછ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ મહિલાઓને છોડવામાં આવશે તો 'આપણી વાતચીતની સારી શરૂઆત' થશે.
આવું ત્યારે થયું જ્યારે સમાચાર આવી રહ્યા હતા કે જાન્યુઆરીમાં સરકાર વિરોધી પ્રદર્શનોમાં સામેલ આ મહિલાઓને ઈરાનમાં ફાંસી આપવામાં આવી રહી છે.
બીબીસી અરબી પ્રમાણે, ઈરાની ન્યાયપાલિકા સાથે જોડાયેલી મિજાન ન્યૂઝ એજન્સીએ જણાવ્યું, "ટ્રમ્પને જૂઠી ખબરોએ ગેરમાર્ગે દોર્યા, જે વિરોધી મીડિયા ચૅનલોએ ફેલાવી હતી. કેટલીક મહિલા પહેલાં જ છોડી મૂકવામાં આવી છે. બાકીની પર એવો આરોપ છે કે તેમને ફાંસીની સજા ન થઈ શકે."
યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને 12થી વધુ લોકોને ફાંસીની સજા આપી છે. તે પૈકી કેટલાક પર ઇઝરાયલ માટે જાસૂસી કરવાનો આરોપ હતો અને કેટલાક પર આ વર્ષની શરૂઆતમાં સરકાર વિરોધી પ્રદર્શનોમાં ભાગ લેવાનો આરોપ હતો.
ઈરાનના રાષ્ટ્રપતિએ અમેરિકા સાથેની વાતચીતને લઈને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Iranian Presidency / Handout/Anadolu via Getty Images
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને કહ્યું છે કે ઈરાન વાતચીતનું સ્વાગત કરે છે, પરંતુ તેમાં ધમકી અવરોધ બની રહી છે.
મસૂદ પેઝેશ્કિયાને આ વાત એ સમયે કહી છે જ્યારે અમેરિકા બીજા ચરણની વાતચીત ઇચ્છે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાની રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "ઈરાન વાતચીત અને સમજૂતીનું સ્વાગત કરે છે અને આગળ પણ કરશે. વચનોનું તોડવું, તેના પર રોક લગાવવી અને ધમકી આપવી એ તેમાં અવરોધક બને છે."
તેમણે લખ્યું, "દુનિયા તમારી ન સમાપ્ત થનારી બેવડાં ધોરણો ધરાવતી વાતો, દાવાઓ અને કામો વચ્ચેનો ફરક જોઈ રહી છે."
ઉલ્લેખનીય છે કે ઇસ્લામાબાદમાં થનારી વાતચીત રદ કરી દેવામાં આવી છે કારણકે ઈરાને તેમાં દિલચસ્પી દેખાડી નહોતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



























