માત્ર 822 મત મેળવનાર નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી જેમાં TMCના 20 બળવાખોર સાંસદો ભળશે

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

રવિવારે તૃણમૂલ કૉંગ્રેસના કેટલાક બળવાખોર સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ટીએમસી સાંસદોએ તેમના જૂથની નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયા (એનસીપીઆઈ) સાથે વિલીનીકરણની જાહેરાત કરી હતી.

કાકોલી ઘોષ દસ્તીદારે ઓમ બિરલાને મળ્યા બાદ પત્રકારોને જણાવ્યું, "અમે ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસના ચૂંટાયેલા સાંસદ હતાં. અમે લોકસભા સ્પીકરને અમારી નારાજગી વ્યક્ત કરી છે."

દસ્તીદારે ઉમેર્યું, "અમે સંસદમાં એક અલગ બેઠકની માંગણી કરી હતી અને નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયામાં ભળી રહ્યા છીએ. અમારી પાસે 20 સાંસદો છે, જે તૃણમૂલ કૉંગ્રેસના 28 સાંસદોના બે-તૃતીયાંશથી વધુ છે. અમે એઆઈટીસીથી અલગ થઈને એનડીએ સાથે કામ કરીશું."

તેમના આ નિવેદન બાદ ઘણા લોકો નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી વિશે ઉત્સુક છે. આ પાર્ટી ખરેખર શું છે અને તેની રાજકીય તાકાત શું છે, જેના કારણે 20 ટીએમસી સાંસદો તેમની સાથે વિલય પામવાની વાત કરી રહ્યા છે?

તૃણમૂલ કૉંગ્રેસના પ્રવક્તા નીલાંજન દાસે પાર્ટીના બળવાખોર નેતાઓ પર કટાક્ષ કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "આ નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઑફ ઇન્ડિયાના રાષ્ટ્રીય પ્રમુખ સિઉલી કુંડુ છે, જે હવે તૃણમૂલ કૉંગ્રેસના 20 દળબદલુઓના નવા નેતા છે."

તેમણે આગળ લખ્યું, "જે લોકો ટ્વીન ફ્લાવર્સ ચૂંટણી પ્રતીક (ટીએમસી) પર જીત્યા હતા, તેઓ હવે એવી પાર્ટીમાં આશરો શોધી રહ્યા છે જેના વિશે બંગાળે ક્યારેય સાંભળ્યું નહીં હોય. કાકોલી ઘોષ દસ્તીદારે લોકસભા સ્પીકર પાસેથી એનસીપીઆઈ (એનડીએના સાથી) તરીકે માન્યતા માંગી છે અને દાવો કર્યો છે કે તેમની સાથે ટીએમસી સંસદીય પક્ષના બે-તૃતીયાંશ સભ્યો છે."

નીલાંજન દાસના મતે, "અત્યાર સુધી કોઈ પણ ટીએમસી કાર્યકર્તાએ જાહેરમાં આ સંગઠનમાં જોડાવામાં રસ દાખવ્યો નથી. એનસીપીઆઈનું પશ્ચિમ બંગાળમાં કોઈ સંગઠન નથી અને ફેસબુક પર તેના માત્ર 72 ફોલોઅર્સ છે."

બીબીસી બાંગ્લાનાં સંવાદદાતા પ્રચેતા પાંજાને શિઉલી કુંડૂએ કહ્યું કે તેમણે કેટલાક દિવસો પહેલાં અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે અને તેમનો પાર્ટી મામલેના હાલના ઘટનાક્રમથી કોઈ સંબંધ નથી.

એનસીપીઆઈની રચના ક્યારે થઈ?

ચૂંટણીપંચ અનુસાર, નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી પશ્ચિમ બંગાળનો એક ગેરમાન્યતા પ્રાપ્ત રજિસ્ટર્ડ રાજકીય પક્ષ છે. તે રાજ્યના હાવડા જિલ્લાના એક સરનામે નોંધાયેલ છે. આ પાર્ટી 2022માં રજિસ્ટર્ડ થઈ હતી.

13 ઑક્ટોબર 2022ના રોજ ચૂંટણીપંચે આ પક્ષની નોંધણી સંબંધિત અપાયેલી અરજી વિશે માહિતી આપી હતી. નિયમો મુજબ, આ પક્ષની નોંધણી પહેલાં ચૂંટણીપંચે જેને પણ આ પક્ષ સામે કોઈ વાંધો હોય, તેમને એક મહિનાની અંદર તેનું કારણ જણાવવા કહ્યું હતું.

આ રાજકીય પક્ષના સ્થાપક પ્રમુખ તરીકે શિઉલી કુંડૂનું નામ, મહાસચિવ તરીકે સૈકત દાસ અને ખજાનચી તરીકે સુદમ જેટ્ટીનું નામ નોંધાયેલું છે.

2023ની ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં, નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટીએ બે બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. તેને કુલ 822 મત મળ્યા હતા, જે આ બેઠકો પર પડેલા કુલ મતોના માત્ર એક ટકા છે. ટકાવારીની દૃષ્ટિએ આ પાર્ટીને નોટા (NOTA) કરતાં પણ ઓછા મત મળ્યા.

એનસીપીઆઈ એક નાની રાજકીય પાર્ટી છે અને નીલાંજલ દાસે જે જાણકારી આપી છે તે પ્રમાણે પાર્ટીના પ્રતિકમાં એક પેન અને સાત કિરણોની સાથે બૅકગ્રાઉન્ડમાં તિરંગો છે.

ચૂંટણીપંચના ઓડિટ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?

એનસીપીઆઈ વિશેની કેટલીક માહિતી પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીના ઓડિટ રિપોર્ટમાં ઉપલબ્ધ છે.

નાણાકીય વર્ષ 2022-23 માટે પશ્ચિમ બંગાળના સીઈઓના (CEO) અહેવાલ મુજબ, પાર્ટીને નવ દાતાઓ તરફથી ફંડ મળ્યું છે, જે કુલ એક લાખ રૂપિયાથી થોડું વધારે છે.

જ્યારે વર્ષ 2023-24ના અહેવાલ મુજબ, એનસીપીઆઈએ તે વર્ષે મળેલા દાન, તેના વાર્ષિક ઓડિટ રિપોર્ટ અને ચૂંટણીખર્ચ વિશે કોઈ માહિતી શૅર કરી નથી.

તે જ સમયે, પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણીઅધિકારીના વર્ષ 2024-25ના વાર્ષિક અહેવાલમાં એનસીપીઆઈના નામનો ઉલ્લેખ પણ નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન