સાડા આઠ લાખ રૂપિયે કિલો વેચાતી આ ચા કેમ ખાસ છે?

ચા, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેગન ઝાંગ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

લોંગજિંગની ગણના ચીનની સૌથી પ્રતિષ્ઠિત ચામાં થાય છે. ચીનના ચા બજારમાં લોંગજિંગનો દબદબો છે. પણ, તેનું પરંપરાગત ઉત્પાદન ઘટી જવાથી આ ચાનો અસલ સ્વાદ માણવાનો એક શ્રેષ્ઠ માર્ગ એ પર્વતોની યાત્રા કરવી છે, જ્યાં તેની ખેતી થતી હોય.

હાંગઝોઉના બાહ્ય વિસ્તારમાં એક લીલાછમ પર્વત ઉપર ગે શિયાઓપેંગ ચાના છોડની હરોળોની વચ્ચે ઊભા રહીને એક નાના પાંદડાનું નિરીક્ષણ કરે છે. અંગૂઠા અને પહેલી આંગળીની વચ્ચે પાંદડું પકડીને તેને હળવેકથી ઉપર ઉઠાવી, દાંડીથી અલગ પાડીને ચૂંટે છે. તેઓ કળીને કુમળાં પાનથી ભરેલા તેમના બાસ્કેટમાં નાખે છે.

લોંગજિંગ ચા ઉગાડનારા અન્ય ખેડૂતોની માફક જ શિયાઓપેંગ પણ આ જ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા. "ડ્રેગન વેલ" જેવો શાબ્દિક અર્થ ધરાવતી લોંગજિંગ ચીનની સૌથી પ્રતિષ્ઠિત ગ્રીન ટી પૈકીની એક છે અને પૂર્વીય ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં આવેલી ભૂતપૂર્વ શાહી રાજધાની હાંગઝોઉના વેસ્ટ લેકની આસપાસના પર્વતોમાં તે ખૂબ ફૂલે-ફાલે છે. માર્ચના આ ખુશનુમા દિવસે, વસંતની આસપાસ (જ્યારે દિવસ અને રાત એક સરખા લાંબા થાય છે, તેવા સમયે) પાંદડાં 2.5 સેન્ટીમીટરની આદર્શ લંબાઈ મેળવી ચૂક્યાં હોય છે; જેનો અર્થ એ કે, વસંત ઋતુની વાર્ષિક લણણી શરૂ થઈ ગઈ છે.

ખાસ કરીને 18મી સદીમાં સમ્રાટ કિયાનલોંગના હાંગઝોઉ પ્રવાસ પછી લોંગજિંગ સૈકાઓથી ચા પ્રેમીઓ માટે જાણીતું નામ રહ્યું છે. લોકવાયકા અનુસાર, આ ચા તેમને એટલી પસંદ પડી ગઈ કે, તેમણે 18 છોડને શાહી દરજ્જો આપવાનો આદેશ આપ્યો અને તેમની ઉપજને રાજમહેલ માટે અનામત રાખી દીધી.

તાજેતરનાં વર્ષોમાં ચુસ્ત ભૌગોલિક સ્થિતિ, પરંપરાગત ચીજવસ્તુઓ માટેની ઘરેલૂ માગમાં થયેલા વધારા અને ચીનની પ્રાદેશિક ચા વિશે વૈશ્વિક સ્તરે પ્રસરી રહેલી જાગૃતિને પગલે લોંગજિંગ ચાની પ્રતિષ્ઠા વધુ મજબૂત થઈ છે. તેની સાથે જ આ પર્વતીય પ્રદેશોમાં આવેલાં ચાનાં ખેતરોની મુલાકાત અગાઉ કરતાં વધુ મહત્ત્વની બની ગઈ છે. બજારમાં નકલી ઉત્પાદનોના અવિરત વેચાણને લીધે અસલ લોંગજિંગ ચાને ઓળખવાનું મુશ્કેલ બની ગયું છે. તો બીજી તરફ, ચાની આગવી લાક્ષણિકતાને ઓપ આપતા શ્રમ માગી લેનારા હેન્ડ-ફાયરિંગના કામની જગ્યાએ હવે મશીનો ગોઠવાઈ રહ્યાં છે.

આજે, પરંપરાગત રીતે બનાવવામાં આવતી લોંગજિંગ ચાની માગ પણ વધુ છે અને તે મળવી પણ એટલી જ મુશ્કેલ છે. પરિણામે, હાંગઝોઉનાં ચાનાં ગામડાંઓની મુલાકાત લેવી એ ચાને તેના સ્રોત પર જ બનતી જોવાનો સૌથી સચોટ રસ્તો છે.

લોંગજિંગ ચાનો પાક

સદીઓથી ખેડૂતોએ વસંતના સમયમાં લણણી કરીને તેમના વર્ષનો આધાર રાખ્યો છે

ઇમેજ સ્રોત, Megan Zhang

ઇમેજ કૅપ્શન, સદીઓથી ખેડૂતોએ વસંતના સમયમાં લણણી કરીને તેમના વર્ષનો આધાર રાખ્યો છે

ચોથી પેઢીના ચાના ઉત્પાદક શિયાઓપેંગ માટે આખું વર્ષ હંમેશાં વસંત ઋતુના પાકની આજુબાજુ જ ગોઠવાયેલું રહે છે. "લોંગજિંગ ચાની વાત આવે, ત્યારે સમય સૌથી વધુ અગત્યનો બની રહે છે," એમ તેઓ કહે છે.

માર્ચના મધ્યથી અંત ભાગમાં આવતી શરૂઆતની કૂંપળો સૌથી વધુ મૂલ્યવાન હોય છે, જે પોતાની આછી બદામી સુગંધ અને કોમળ, મૃદુ સ્વાદ માટે પ્રસિદ્ધ છે. આ કૂંપળો એટલી કિંમતી હોય છે કે, ચાઇનીઝ કૅલેન્ડર પ્રમાણે તેને ક્યારે ચૂંટવામાં આવી હતી, તેના આધારે તેનું ગ્રેડિંગ કરવામાં આવે છે. આ ચાઇનીઝ કૅલેન્ડર સૂર્યની સાપેક્ષમાં પૃથ્વીની સ્થિતિના આધારે વર્ષને 24 સૂક્ષ્મ-ઋતુઓમાં વિભાજિત કરે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મિંગકિયાન સ્તર ચોથી કે પાંચમી એપ્રિલથી શરૂ થતી કિંગમિંગ તરીકે ઓળખાતી સૌર અવધિ પહેલાં ચૂંટવામાં આવેલો ચાનો શરૂઆતનો જથ્થો સૂચવે છે, જ્યારે પાછોતરી કાપણી યુકિયાન કહેવાય છે. લણણીમાં માત્ર ગણતરીના દિવસોનો તફાવત પણ પાંદડાંના મૂલ્યને પ્રભાવિત કરી શકે છેઃ શિયાઓપેંગના ચાના બગીચામાંથી, શરૂઆતના મિંગકિયાન જથ્થાની માત્ર 500 ગ્રામ ચાના અત્યારે 30,000 યુઆન (અંદાજે 3,250 યુરો કે 4,400 ડૉલર – એ હિસાબે 1 કિલોના 8000 ડૉલર કરતાં વધારે) ઉપજી શકે છે. શિયાઓપેંગ કહે છે કે, આ આંકડો એક પેઢી પહેલાં અકલ્પ્ય હતો - તે વધતા મજૂરી ખર્ચ અને માગ તથા પુરવઠા વચ્ચે વધી રહેલા અંતરનું પરિણામ છે.

હું મારા મિત્ર અને હાંગઝોઉના વતની મેંગ કેકીની ભલામણ પર લોંગવુ નામના ચાની ખેતી કરતા ગામમાં શિયાઓપેંગના પારિવારિક ચાના બગીચા પર આવી હતી. મેંગ કેકી તેમના વતન પરત ફર્યા, તે પહેલાં તેઓ શિકાગોમાં ચાની એક દુકાન ધરાવતા હતા. પ્રવાસના ભાગરૂપે હું શિયાઓપેંગના ચાના બગીચામાં તેમની પાછળ પાછળ જાઉં છું, ત્યારે આકાશ વાદળછાયું છે અને વાતાવરણ ખુશનુમા છે.

"આ પ્રકારની સ્થિતિ પાંદડાં માટે એકદમ સાનુકૂળ છે," એમ તેઓ કહે છે અને સમજાવે છે કે, ઝીણો-ઝીણો વરસાદ અને આછો સૂર્યપ્રકાશ કૂંપળોને ધીમે ધીમે ઊગવામાં મદદ કરે છે, જે પ્રારંભની લણણીને તેનો આગવો શુદ્ધ, કોમળ સ્વાદ આપે છે, જેમાં કોઈ કડવાશ નથી હોતી.

તેમ છતાં, આશરે બે અઠવાડિયાંના આ મિંગકિયાન લણણીના ગાળાની જેટલી આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે, તેટલો જ તે ગાળો ટૂંકો પણ હોય છે. વળી, ક્લાઇમેટ ચેન્જને કારણે મોસમી આબોહવાની પૅટર્ન બદલાઈ હોવાથી હવામાનમાં આવતા પલટાની આગાહી કરવી અત્યંત મુશ્કેલ બની રહી છે. એક વખત કૅલેન્ડર 19 કે 20 એપ્રિલની આસપાસ ગુયુ તરફ આગળ વધે, એટલે ગરમ તાપમાન અને ભારે વરસાદ છોડનો વિકાસ ઝડપી બનાવે છે, જેના લીધે ચાનો સ્વાદ વધુ કડવો થઈ જાય છે. પ્રારંભિક કૂંપળોનાં કુમળાં પાનનો સ્વાદ મીઠાશભર્યો તથા વધુ હળવો હોવાની સાથે-સાથે તેની કોમળતાને લીધે વોક-ફાયરિંગ (કડાઈમાં શેકવાની) પ્રક્રિયા ધ્યાન માગી લેનારી હોય છે, જે લોંગજિંગ ચા બનાવવાનો અગત્યનો તબક્કો છે.

ચાનાં પાંદડાંને પૅનમાં શેકવાં

ચા

ઇમેજ સ્રોત, Getty Images

પાન ચૂંટી લીધા પછી કારીગરો તેમને હાથેથી શેકવાનું, 200 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ કરેલી વિશાળ કડાઈઓમાં પાંદડાંને ઉમેરવાનું પરિશ્રમ માગી લેતું કામ કરે છે. હું જોઉં છું કે, શિયાઓપેંગના પિતા ગે ઝેંગહુઆ ગ્લવ્ઝ પહેર્યા વિના જ તેમના અનુભવી હાથ વડે ચોકસાઈપૂર્વક કડાઈમાં પાંદડાં ફેરવે છે, તેમને ઉપર ઉઠાવે છે અને પાછાં નીચે મૂકે છે.

મારાં માતા હાંગઝોઉ નજીકના પ્રદેશનાં હોવાથી હું લોંગજિંગ ચા પીને જ મોટી થઈ છું, પણ ચાનાં પાન કડાઈમાં શેકવાની પ્રક્રિયા આટલી નજીકથી હું પ્રથમ વખત જોઈ રહી છું અને એ વાતથી મને આશ્ચર્ય થાય છે કે, ગરમ કડાઈથી હથેળીઓને બચાવવા માટે તેમની પાસે ચાનાં પાન સિવાય બીજું કશું જ નથી.

ઝેંગહુઆ કહે છે કે, શેકવાની આ પ્રક્રિયા જ લોંગજિંગ ચાને તેની આગવી પ્રસિદ્ધિ બક્ષે છે. તે ઓક્સિડેશનની પ્રક્રિયા અટકાવે છે, જેથી પાંદડાંનો લીલો રંગ જળવાઈ રહે છે અને તેમને દબાવીને ભાલા જેવો આકાર આપવામાં આવે છે, જે લોંગજિંગની ખાસ ઓળખ છે. મહત્ત્વની વાત એ છે કે, તેનાથી પાંદડાંમાં રહેલો ભેજ પણ જતો રહે છે.

ઝેંગહુઆના જણાવ્યા અનુસાર, "બરાબર સૂકવવાથી જ તેમની સુગંધ બહાર આવે છે અને તેના કારણે પાંદડાંને લાંબો સમય સુધી સંગ્રહવાથી પણ તે ખરાબ નથી થતાં. હું ગ્લવ્ઝ નથી પહેરતો, કારણ કે, મારે ગરમીના સ્તર અને ભેજના સ્તરનો ક્યાસ કાઢવાનો રહે છે."

વર્તમાન સમયમાં, વધુને વધુ ખેડૂતો વોક-ફાયરિંગનું કામ કરવા માટે મશીનોનો સહારો લઈ રહ્યા છે, જેનાથી તેમના સમય તેમજ મહેનતની બચત થાય છે. ઝેંગહુઆ યાદ કરે છે, "અમે જ્યારે નાના હતા, ત્યારે આ સમયગાળામાં અમને ભાગ્યે જ સૂવા મળતું હતું. અમારો પરિવાર ચોવીસે કલાક પાંદડાં શેકવાના કામમાં વ્યસ્ત રહેતો હતો."

મશીનમાં શેકવાની પ્રક્રિયાનાં પણ સમાન પરિણામો મળે છે, અને ઘણા ચા પીનારા લોકોને બંને વચ્ચે કોઈ તફાવત જણાતો નથી. પણ ઝેંગહુઆ કહે છે કે, તેઓ હજુયે મશીનને કારણે જે ખૂટે છે, તે સ્વાદ પારખી શકે છે - ચાની પ્રસરી જતી ખુશબો અને લાંબા સમય સુધી જળવાઈ રહેતી મીઠાશ. તેઓ કહે છે, "મશીન જે પારખી નથી શકતાં, એ હાથ પારખી શકે છે. મશીનો જીવંત નથી, હાથમાં જીવંતતા છે."

લોંગજિંગનો અનુભવ ક્યાં અને કેવી રીતે કરવો?

ચા

ઇમેજ સ્રોત, Getty Images

લોંગજિંગની કાપણી થતી જોવા માટે માર્ચના મધ્યથી અંત ભાગથી શરૂ કરીને એપ્રિલના પ્રારંભ સુધીનો ગાળો શ્રેષ્ઠ હોય છે. ચાના ગામ સુધી પહોંચવા માટે, વેસ્ટ લેકના મનોરમ્ય વિસ્તારમાં એક હોટલ બુક કરાવવી અને ચાઇનીઝ રાઇડ-શૅર ઍપ 'દીદી' મારફત એક દિવસ કાર ભાડે કરી શકાય છે. અથવા તો તમે ફાર્મ કે ટી સેન્ટર દ્વારા યોજાયેલા પ્રવાસમાં પણ જોડાઈ શકો છો.

  • ચાઇના નેશનલ ટી મ્યુઝિયમ: ચીનની તથા વૈશ્વિક ચા સંસ્કૃતિઓને સમર્પિત હાંગઝોઉ મ્યુઝિયમમાં મુલાકાતીઓ લોંગજિંગ ચાના બગીચાઓમાં ફરી શકે છે, ચા બનાવવાનું જીવંત પ્રદર્શન નિહાળી શકે છે, લોંગજિંગનો ઇતિહાસ જાણી શકે છે, વિવિધ ચાનો આસ્વાદ માણી શકે છે અને ઘરે લઈ જવા માટે ચાનાં પાન તથા ચાનાં વાસણો ખરીદી શકે છે.
  • સૂયે ટી ઇન્સ્ટિટ્યૂટ: હાંગઝોઉમાં આવેલી ટી સ્કૂલ, જે લોંગજિંગની ફાર્મ ટૂર, વોક-ફાયરિંગનાં ડેમોન્સ્ટ્રેશન્સ અને ચાનો સ્વાદ ચાખવાના કાર્યક્રમનું આયોજન કરે છે.
  • લુઝેંગહાઓ: હાંગઝોઉમાં દુકાનો અને ટી હાઉસ ધરાવતી ચાની લાંબા સમયથી પ્રસ્થાપિત બ્રાન્ડ.
  • યિગે ટી હાઉસ: લોંગવુ ટી વિલેજમાં ગે પરિવારની માલિકીનું એક કાફે. ગે પરિવાર ફાર્મ ટૂર, કડાઈમાં પાન ગરમ કરવાની પ્રક્રિયા અને સ્વાદ ચાખવાના કાર્યક્રમો ચલાવે છે.

ચા શેકવાનું કામ પૂરું થઈ જાય, પછી ઝેંગહુઆ પાંદડાંનું વજન કરીને તેમને પેક કરે છે તેમજ દરેક પૅકેટ ઉપર તેમની પ્રમાણભૂતતાનું પ્રમાણન કરતું સ્ટિકર લગાવે છે.

તેઓ સમજાવે છે કે, સરકારે અસલ વેસ્ટ લેક લોંગજિંગ માટેનો નિર્દિષ્ટ વાવેતર વિસ્તાર 168 ચોરસ કિલોમીટરના પ્રદેશમાં સીમિત કરી દીધો છે. ઝેજિયાંગ પ્રાંતમાં અન્ય સ્થળોએ આવેલા ચોક્કસ ઉત્પાદન ઝોનમાં ઊગેલી ચાને લોંગજિંગ કહી શકાય છે, પણ તેને વેસ્ટ લેક નામ આપી શકાતું નથી.

તેની બહાર ઊગેલી કોઈપણ ચાને કાયદેસર રીતે માત્ર ગ્રીન ટી તરીકે જ વેચી શકાય. બનાવટ ડામવા માટે સત્તાધિકારીઓ હવે પ્રમાણિત ચા ઉત્પાદકોને તેમનાં ઉત્પાદનો ઉપર લગાવવા માટે સીમિત સંખ્યામાં જ પ્રમાણભૂતતા સ્ટિકર્સ આપે છે. દરેક સ્ટિકર પર એક ક્યૂઆર કોડ આવેલો હોય છે, જે ટ્રેક કરવાની સિસ્ટમ સાથે જોડાયેલો હોય છે.

લોંગજિંગ ચાનો સ્વાદ ચાખવો

ચીનની મોંઘી ચા

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના યુવાન ગ્રાહકોને પરંપરાગત ચાઇનીઝ વારસો ધરાવતાં ઉત્પાદનો તરફ વાળતા પ્રવાહ - 'ગુઓચાઓ આંદોલન'ને પગલે અસલ લોંગજિંગ ચાની માગમાં તાજેતરનાં વર્ષોમાં ભારે ઉછાળો નોંધાયો છે. પણ લોંગજિંગ માટે, ખાસ કરીને મિંગકિયાન પાંદડાં માટેનો ઉત્સાહ કાપણીના ટૂંકા અને અનિશ્ચિત ગાળા દરમિયાન પહાડીઓની થતી ઉપજ કરતાં ઘણો જ વધારે છે. પુરવઠાના અંતરને પગલે લોંગજિંગ ચા ચીનનાં અન્ય સ્થળોએ ઉગાડેલી કૂંપળોને આ જ નામથી વેચનારા નકલી ઉત્પાદકોના નિશાના પર આવી ગઈ છે.

ઘણા ગ્રાહકો માટે, સૌથી ભરોસાપાત્ર બાંયધરી ચાનું ઉત્પાદન કરનારા હાથની ઓળખ કરવાની છે. આથી જ, ઝેંગહુઆ કહે છે કે, વસંત ઋતુના આગમન સાથે જ તેમના ઘણા નિયમિત ગ્રાહકો તેમના ફાર્મની મુલાકાત લે છે. ત્યાં તેઓ પોતાની નજરે કડાઈમાં પાંદડાં શેકાતાં જુએ છે. આથી જ પરિવારે નજીકમાં યિગે ટી હાઉસ શરૂ કર્યું છે, જ્યાં લોંગજિંગ ચા પ્રત્યે ઉત્સુકતા ધરાવનારા લોકો ફાર્મ ટૂર, વોક-ફાયરિંગ નિદર્શન અને ચા ચાખવાના કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે.

ચાનાં શિક્ષણ કેન્દ્રો પણ લોંગજિંગને વધુ નજીકથી જોવાની તક પૂરી પાડે છે, જેમાં માર્ગદર્શન સાથેની ફાર્મ વિઝિટ, વોક-ફાયરિંગ વર્કશોપ અને નિષ્ણાતોની દેખરેખ હેઠળ ટેસ્ટિંગના અનુભવનો સમાવેશ થાય છે. ચાના બગીચામાંથી વિદાય લીધા પછી હું તાજેતરમાં જ સીઝનની મિંગકિયાન પાંદડાંનો જથ્થો લાવનારાં ઇન્સ્ટ્રક્ટર ચેન યીફાંગને મળવા માટે આવી જ એક સ્કૂલ તરફ ગઈ - સૂયે ટી ઇન્સ્ટિટ્યૂટ.

લોંગજિંગની એક બૅચને તૈયાર કરવા પાછળ લાગતો સઘળો પરિશ્રમ એક કપમાં જ દેખાઈ આવતો હોય છે - તેનો સ્વાદ એટલો હળવો અને આછો હોય છે કે મારા માટે તેનું વર્ણન કરવું હંમેશાં મુશ્કેલીભર્યું રહે છે. ચેન તેની સ્વચ્છ, તાજી ગુણવત્તાને વસંત ઋતુમાં ફાવા બીન્સનાં ફૂલોની નરમ સુગંધ સાથે સરખાવે છે - જે થોડી ફૂલો જેવી, સ્હેજ અખરોટ જેવી અને થોડી મીઠાશભરી હોય છે.

હજુ ગણતરીના દિવસો પહેલાં જ ચૂંટેલાં પાંદડાંમાંથી બનાવેલી ચાનો કપ મને ધરતાં ચેન કહે છે, "આ ચાની મજા તેના હળવા અંદાજમાં જ રહેલી છે." તેઓ આગળ સમજાવે છે કે, લોંગજિંગ એક વિધિ છે, જે ધૈર્ય અને એકાગ્રતા રાખનારને જ સાચો આનંદ આપે છે. તેઓ બ્લૅક ટી અને કોફી જેવાં તીવ્ર પીણાં સાથે આ ચાની સરખામણી કરતાં કહે છેઃ "એ તીવ્ર પીણાં તમને સીધું જ કહી દેશેઃ 'હું તો આ જ છું,' જ્યારે લોંગજિંગ ચા તેનું વ્યક્તિત્વ પ્રગટ કરે, તે પહેલાં તમારે તેની સાથે બેસીને સમય વીતાવવો જરૂરી છે."

વર્ષો સુધી ઝેંગહુઆને ચિંતા હતી કે, તેમની આ કારીગરી તેમની પેઢી સાથે જ લુપ્ત થઈ જશે. લોંગજિંગની ખેતી કરનારા ખેડૂતોનાં ઘણાં બાળકો યુનિવર્સિટીમાં આગળ અભ્યાસ કરવા માટે તેમજ ઊંચા પગારની નોકરીઓ માટે ગામડાં છોડીને શહેરોમાં જતાં રહ્યાં હતાં. પણ હવે, જ્યારે ચાનું બજાર મૂલ્ય અગાઉના સમય કરતાં તેને વધુ સાતત્યપૂર્ણ આજીવિકાનું સાધન બનાવે છે, ત્યારે વધુને વધુ લોકો તેમનાં માતા-પિતાનાં કૌશલ્યો શીખવા માટે ખેતરોમાં પરત ફરી રહ્યા છે, જેમાં ઝેંગહુઆના પુત્રનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, પરત ફરવા પાછળ બીજું પણ એક કારણ છેઃ એ વાતનો સ્વીકાર કે જો તેઓ આ કળાનું જ્ઞાન વારસામાં નહીં મેળવે, તો તે એ જ પેઢી સાથે સમાપ્ત થઈ જશે.

ઝેંગહુઆ કહે છે, "જે યુવાનો આ ચાનાં ખેતરોમાં મોટાં થયાં છે, તેઓ દરેક વસંત ઋતુમાં ચાની સોડમ અનુભવે છે. એ તેમના વતનની મહેક છે."

મેં મારા જીવન દરમિયાન મારાં માતાના વતનની ઘણી મુલાકાતો કરી, તે પરથી હું એ સમજી શકી છું કે, દર વસંતમાં લોકોને હાંગઝોઉ ખેંચી લાવતું પરિબળ માત્ર ચા જ નથી. બલ્કે, એ એક અમૂલ્ય, અલ્પકાલીન મોસમી પળનો અનુભવ કરવાનો અવસર છે. આ એવો સમય છે, જ્યારે યોગ્ય સમય અને જમીનની ખાસિયત સાથે મળીને તે ધુમ્મસભર્યા પહાડોમાં વર્ષની પહેલી કુમળી કૂંપળો ખીલવે છે. વર્તમાન સમયમાં, કદાચ તે એવા સમય-સિદ્ધ વેપારના સાક્ષી બનવાની તક પણ છે, જે કદાચ તેના વર્તમાન સમયમાં કાયમ માટે ટકી નહીં શકે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન