'તમારી જ્ઞાતિના લોકો ઘોડી પર બેસી શકતા નથી': મધ્ય પ્રદેશમાં દલિત વરરાજાને માર માર્યાનો આરોપ

ઇમેજ સ્રોત, Azam Khan
મધ્ય પ્રદેશના દમોહ જિલ્લાના હટા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા બિજૌરી પાઠક ગામની એક ગલીમાં લગ્નની એક વિધિ ચાલી રહી હતી.
વરરાજા ગોલુ અહીરવાર ઘોડી પર બેઠા હતા. તેમની આગળ બૅન્ડવાજા વાગી રહ્યા હતા અને પાછળ પરિવારજનો તથા સગાં-સંબંધી આનંદથી નાચી રહ્યા હતા.
પરંતુ ત્યારે કેટલાક યુવકોએ વરરાજાનો રસ્તો અટકાવ્યો. પોલીસના જણાવ્યા મુજબ, આ દરમિયાન ગોલુ અને તેમના પરિવાર સાથે મારપીટ કરવામાં આવી.
ગોલુ અહીરવારે ફોન પર બીબીસીને જણાવ્યું, "ગામમાં અમારી સાથે પહેલેથી જ ભેદભાવ થાય છે. તે દિવસે તો હદ થઈ ગઈ."
"હું દલિત હોવા છતાં ઘોડા પર બેઠો હતો, એ વાત ગામના ઊંચી જ્ઞાતિના લોકોને પસંદ ન પડી અને તેમણે અમને માર માર્યો. તેઓ કહેતા હતા કે 'તમારી જ્ઞાતિના લોકો ઘોડા પર બેસી શકતા નથી'."
પોલીસ મુજબ ચાર આરોપીઓમાંથી ત્રણ એક જ પરિવારના છે અને ચોથો બીજા એક ગામનો રહેવાસી છે. ચારેય લોધી સમુદાયના હોવાનું કહેવાય છે.
મારપીટનો આરોપ લોધી જ્ઞાતિના લોકો પર લગાવવામાં આવ્યો છે. લોધી સમુદાય મધ્ય પ્રદેશમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં આવે છે.
રાજ્યમાં ઓબીસી વસ્તી 50 ટકાથી વધુ હોવાથી ઘણા વિસ્તારોમાં આ સમુદાયનો પ્રભાવ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર લખાયા ત્યાં સુધી એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે બાકીના આરોપીઓને ઝડપથી પકડી પાડવાની ખાતરી આપી હતી.
આરોપીઓના પરિવારે આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે જમીનના જૂના વિવાદના કારણે તેમને ફસાવવામાં આવ્યા છે.
ગોલુ અહીરવારના ઘોડા પર બેસવાથી કોને તકલીફ હતી?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગોલુના કાકા ગરીબા અહીરવારની ફરિયાદના આધારે ઘટના બાદ પોલીસે એફઆઈઆર નોંધી. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, "ગામના કેટલાક માથાભારે લોકોએ વરરાજા દલિત હોવા છતાં ઘોડા પર બેઠો હોવાથી તેની સાથે મારપીટ કરી."
એફઆઈઆર મુજબ, "કેટલાક લોકોએ મળીને મોટરસાઇકલ વડે ઘોડા પર બેઠેલા ગોલુ અને પાછળ ચાલતી જાનને રોકી હિંસા કરી."
"આરોપીઓએ જ્ઞાતિ આધારિત અપશબ્દો બોલ્યા અને ઘોડા પર બેસવા બાબતે વાંધો ઉઠાવી ગોલુ અને તેના પરિવારને માર માર્યો."
23 વર્ષના ગોલુ અહીરવાર જન્મથી જ વિકલાંગ છે. તેમના પરિવારમાં માતા, પિતા, એક ભાઈ અને એક બહેન છે.
મંગળવાર, 21 એપ્રિલે ગોલુ પોતાના લગ્ન પહેલાંની 'રછવાઈ' વિધિ કરી રહ્યા હતા. રછવાઈ બુંદેલખંડની પરંપરા છે, જેમાં વરરાજા લગ્ન પહેલાં ઘોડા પર બેસીને આખા ગામમાં ફરે છે.
ગોલુએ બીબીસીને કહ્યું, "હું બહુ ખુશ હતો. આખો પરિવાર ખુશ હતો. ઘણાં વર્ષો પછી ઘરમાં લગ્ન થઈ રહ્યાં હતાં."
"પરંતુ તેમને મારું ઘોડા પર બેસવું યોગ્ય ન લાગ્યું. તેમણે મને ઘોડા પરથી નીચે ખેંચી લીધો અને લાકડીઓથી માર્યો."
આ ઘટનાનો વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
ગોલુનાં માતા વિદ્યા અહીરવાર કહે છે, "મારો દીકરો વિકલાંગ છે, છતાં તેમણે દયા ન કરી. તેને ખેંચી જઈને માર્યો. મારી દીકરી બચાવવા આવી તો તેને પણ માર પડ્યો."
વરરાજાનાં બહેન મનીષા અહીરવાર કહે છે, "તેમણે પહેલાં મોટરસાઇકલ આડી રાખીને રસ્તો બંધ કર્યો."
" અમે તે દૂર કરવા કહ્યું તો હુમલો કર્યો. મારા ભાઈને ઘોડા પરથી ઉતાર્યો અને અમને માર્યાં."
"ચાર લોકો હતા. તેઓ કહેતા હતા કે દલિત વ્યક્તિ ઘોડા પર ચઢીને આ ગામમાં નહીં ફરે. આવી જાન અમારા માટે નથી હોતી."
પરિવારનું કહેવું છે કે આ હુમલો અચાનક નહોતો, પરંતુ જ્ઞાતિ આધારિત દ્વેષના કારણે થયો હતો.
ઘટનાના બાદ પરિવાર અને જાનમાં સામેલ લોકો હટા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની હાજરીમાં લગ્ન, ઘરની બહાર પોલીસ તહેનાત

ઇમેજ સ્રોત, Azam Khan
ગામમાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે અને આરોપીઓની શોધ ચાલી રહી છે.
અધિકારીઓ કહે છે કે લગ્નની બાકીની વિધિઓ પૂર્ણ કરાવવા માટે પણ સુરક્ષા આપવામાં આવી છે.
ગોલુએ બીબીસીને કહ્યું, "જો તે દિવસે પોલીસ સમયસર ન આવી હોત તો શું થાત તે ખબર નથી. મારી લગ્નવિધિ પણ પોલીસની હાજરીમાં જ થઈ છે, અને ઘરની બહાર પણ પોલીસદળ તહેનાત છે."
દમોહના પોલીસ અધીક્ષક શ્રુતકીર્તિ સોમવંશીએ બીબીસીને જણાવ્યું, "અમે આ મામલે એસસી-એસટી ઍક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરી લીધો છે."
"એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા માટે કલેક્ટરને પત્ર લખ્યો છે."
આ તરફ આરોપી પક્ષે તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે.
એફઆઈઆરમાં નામિત આરોપી વિશ્વનાથ સિંહ લોધીના ભત્રીજા હેમરાજે બીબીસીને જણાવ્યું, "અમારા કાકા ઉપર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. અમારી લોકોની 'હરિજનો' સાથે જમીનને લઈ જૂની દુશ્મનાવટ છે."
"આ વખતે 'હરિજનો' વધુ સંખ્યામાં હતા અને તેનો ફાયદો ઉઠાવીને તેમણે અમારા કાકાઓને ફસાવ્યા છે."
ઘોડીએ ન ચડવા દેવા અને જ્ઞાતિ આધારિત ભેદભાવના આરોપો પર હેમરાજે કહ્યું, "આ બધું ખોટું છે. અમને ફસાવવામાં આવી રહ્યા છે."
મધ્ય પ્રદેશમાં જ્ઞાતિ આધારિત હિંસાના વધતા કેસો

નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યુરો (એનસીઆરબી)નો તાજો રિપોર્ટ વર્ષ 2023 સુધીના ગુનાઓની વાત કરે છે.
આ રિપોર્ટ અનુસાર મધ્ય પ્રદેશ 2021, 2022 અને 2023માં દેશભરમાં અનુસૂચિત જ્ઞાતિ વિરુદ્ધ થયેલા ગુનાઓમાં સતત ત્રીજા ક્રમે રહ્યું છે. આથી ઉપર માત્ર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રહ્યાં છે.
દમોહ, જે બુંદેલખંડ વિસ્તારનો ભાગ છે, ત્યાં પણ આ પહેલી ઘટના નથી. આવું પહેલી વાર નથી થયું કે દલિત વરરાજાઓને પોતાની પરંપરાઓનું પાલન કરવા બદલ નિશાન બનાવવામાં આવ્યા હોય.
વર્ષ 2025માં મધ્ય પ્રદેશના બુંદેલખંડ વિસ્તારના ટીકમગઢ જિલ્લાના મોખરા ગામમાં એક દલિત વરરાજા જીતેન્દ્ર અહીરવાર પર લગ્નવિધિ દરમિયાન ઘોડીએ ચઢવા મામલે પથ્થરમારો થયો હતો.
આ પહેલાં ડિસેમ્બર 2024માં દમોહ જિલ્લાના જ ચોરઈ ગામમાં એક દલિત વરરાજાને બગ્ગીમાં બેસાડીને ફેરવવા બાબતે વિવાદ થયો હતો, ત્યાર બાદ માથાભારે લોકોએ બગ્ગીમાં તોડફોડ કરી, વરરાજાને માર્યો અને ઘોડાના માલિક સાથે પણ મારપીટ કરી હતી.
બુંદેલખંડના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ દલિત વરરાજાઓના ઘોડીએ ચઢવા મુદ્દે વિવાદો સામે આવતા રહ્યા છે.
સ્થાનિક સ્તરે અગાઉ પણ એવા કેસ નોંધાયા છે જેમાં વરરાજાઓને ઘોડીએથી નીચે ઊતરવા મજબૂર કરવામાં આવ્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















