ગુજરાત : હવામાન વિભાગે આવનારા દિવસોમાં કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી?
આગામી દિવસોમાં હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસું છેલ્લા એક અઠવાડિયાથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું હતું તેમાં હવે છેલ્લા એક દિવસમાં નોંધપાત્ર ગતિ જોવા મળી રહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર, આજે એક જુલાઈની સ્થિતિએ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને મોરબીમાં છૂટાંછવાયાં સ્થળોએ તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેવા કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
બે જુલાઇની સ્થિતિએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર, ત્રણ જુલાઇએ પણ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ દિવસે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ વરસાદ સહિત અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડાં સ્થળોએ વરસાદ થવાની ભારે સંભાવના છે.
ચાર અને પાંચ જુલાઇની સ્થિતિએ પણ આજ પ્રકારે બાકીના દિવસોની જેમ જ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થોડા સ્થળોએ વરસાદ થવાની ભારે સંભાવના છે.

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



