Live, નવ વાગ્યા સુધીનાં વલણો: કયા રાજ્યમાં કોણ આગળ, કોણ પાછળ?

પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, પુડુચેરી અને આસામનાં ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સત્તા રહેશે કે જશે તેના પર સૌની નજર છે. બાકી રાજ્યોમાં શું થશે?

સારાંશ

  • પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આસામ, કેરળ અને પુડ્ડુચેરીની વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે.
  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી ચોથી વાર સરકાર બનાવી શકશે કે પછી ભાજપ પહેલી વાર સત્તા હાંસલ કરશે?
  • આસામમાં હિમંતા બિસ્વા સરમાનો દબદબો જળવાશે કે કૉંગ્રેસ કમબૅક કરશે?
  • કેરળમાં ડાબેરીઓનો અંતિમ ગઢ જળવાશે કે જશે? તામિલનાડુમાં સ્ટાલિનનું શાસન યથાવત્ રહેશે કે વિજયની ઍન્ટ્રી થશે?

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. નવ વાગ્યા સુધીનાં વલણો: કયા રાજ્યમાં કોણ આગળ, કોણ પાછળ?

    સવારે નવ વાગ્યા સુધીમાં તમામ રાજ્યોનાં ચૂંટણી પરિણામોનાં પ્રાથમિક વલણો આવવા લાગ્યાં છે.

    પશ્ચિમ બંગાળ:

    પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 107 બેઠકો પર, તથા ભાજપ 118 બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ ચાર બેઠકો પર આગળ છે.

    પશ્ચિમ બંગાળ
    ઇમેજ કૅપ્શન, સ્રોત: ડેટાનેટ, સવારે નવ વાગ્યાની સ્થિતિ

    કેરળ:

    કેરળમાં ડાબેરી ગઠબંધન 33 બેઠકો પર તથા કૉંગ્રેસનું યુડીએફ ગઠબંધન 45 બેઠકો પર આગળ છે. એનડીએ 12 બેઠકો પર આગળ છે.

    જ્યારે અન્ય એક બેઠક પર આગળ છે.

    કેરળ
    ઇમેજ કૅપ્શન, સ્રોત: ડેટાનેટ, સવારે નવ વાગ્યાની સ્થિતિ

    તામિલનાડુ:

    તામિલનાડુમાં સત્તાધારી પક્ષ ડીએમકે 67 બેઠકો પર આગળ છે. એઆઈડીએમકે ગઠબંધન 27 બેઠકો પર આગળ છે.

    વિજયનો પક્ષ ટીવીકે 13 બેઠક પર તથા એનટીકે અને અન્ય 2 બેઠકો પર આગળ છે.

    તામિલનાડુ
    ઇમેજ કૅપ્શન, સ્રોત: ડેટાનેટ, સવારે નવ વાગ્યાની સ્થિતિ

    આસામ:

    આસામમાં નવ વાગ્યા સુધીમાં ભાજપ ગઠબંધન 59 બેઠકો તથા કૉંગ્રેસ ગઠબંધન 18 બેઠકો પર આગળ છે.

    એઆઇયુડીએફ બે બેઠકો પર આગળ છે, જ્યારે અન્ય એક બેઠક પર આગળ છે.

    આસામ
    ઇમેજ કૅપ્શન, સ્રોત: ડેટાનેટ, સવારે નવ વાગ્યાની સ્થિતિ

    પુડુચેરી:

    પુડુચેરીમાં એનડીએ ગઠબંધન 19 બેઠકો પર તથા કૉંગ્રેસ ગઠબંધન ત્રણ બેઠકો પર આગળ છે. અન્ય પાંચ બેઠક પર આગળ છે.

    પુડુચેરી
    ઇમેજ કૅપ્શન, સ્રોત: ડેટાનેટ, સવારે નવ વાગ્યાની સ્થિતિ
  2. ગુજરાત: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીનું પણ આજે આવશે પરિણામ

    ગુજરાતની ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થયું હોવાથી ત્યાં પેટાચૂંટણી થઈ હતી.

    ભાજપે ત્યાં ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી. કૉંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી.

    એનસીપીના(એપી)ના જયંત પટેલ ‘બોસ્કી’ પણ આ ચૂંટણીજંગમાં છે.

    આમ આદમી પાર્ટીએ અહીં ઉમેદવાર ઉતાર્યા ન હતા.

  3. ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં મતગણતરી શરૂ

    મતગણતરીકેન્દ્રની એક પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, મતગણતરીકેન્દ્રની એક પ્રતીકાત્મક તસવીર

    આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    ભારતનાં ચૂંટણીપંચની અધિકૃત વેબસાઇટ અનુસાર, મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    સુરક્ષાવ્યવસ્થાઓ વચ્ચે હજારો કર્મચારીઓ મતગણતરી કરશે.

    થોડી વારમાં જ પ્રાથમિક વલણો આવવાં લાગશે.

  4. ઍક્ઝિટ પોલમાં કોની સરકાર બનવાનું અનુમાન કરાયું છે?

    મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં તારણોમાં પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ ચિત્ર છે. તેમાં પીપલ્સ પલ્સના ઍક્ઝિટ પોલ સિવાયના ઍક્ઝિટ પોલ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર તરફ ઇશારો કરે છે.

    આસામમાં મહત્તમ ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધનને બહુમત પ્રાપ્ત થતો હોવાનું જણાવાઈ રહ્યું છે.

    કેરળમાં મોટા ભાગના ઍક્ઝિટ પોલ યુડીએફની સરકાર બનવાનું અનુમાન કરી રહ્યા છે.

    તામિલનાડુમાં વિધાનસભાની 234 બેઠકો છે અને અહીં બહુમતનો આંકડો 118 છે. ત્યાં મહત્તમ ઍક્ઝિટ પોલ ડીએમકેની સરકાર ફરીથી સત્તામાં આવી રહી છે તે તરફ અનુમાન કરી રહ્યા છે, પરંતુ ઍક્સિસ માય ઇન્ડિયા ઍક્ઝિટ પોલમાં ટીવીકેને 98-120 બેઠકો આપવામાં આવી છે.

    કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં બહુમતનો આંકડો 16 છે.ત્યાં ઍક્ઝિટ પોલ ભાજપ ગઠબંધનને બહુમત આપી રહ્યા છે.

    પાંચ રાજ્યોનાં ચૂંટણી પરિણામો બીબીસી ગુજરાતી
  5. આજે પશ્ચિમ બંગાળ સહિત પાંચ વિધાનસભાનાં પરિણામ આવશે

    આજે પશ્ચિમ બંગાળ સહિત પાંચ વિધાનસભાનાં પરિણામ આવશે

    ઇમેજ સ્રોત, ANI/Getty Images

    ગત મહિને ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે.

    આસામ, કેરળ અને પુડુચેરીમાં નવ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું. તામિલનાડુમાં પણ 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું.

    જ્યારે પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થયું હતું.

    મોટા ભાગના લોકો પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર નજર રાખી રહ્યાં છે, કારણ કે રાજ્યમાં ઘણા ઍક્ઝિટ પોલમાં શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે હરીફાઈ રહેશે તેવું અનુમાન કરાયું છે.

    પશ્ચિમ બંગાળ:

    પશ્ચિમ બંગાળ વિધાનસભાની 294 બેઠકોમાંથી 293 બેઠકોનાં પરિણામો સોમવારે જાહેર કરવામાં આવશે, કેમ કે ચૂંટણીપંચે ફાલ્ટા બેઠક પર ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.

    ફાલ્ટા વિધાનસભા બેઠકનાં 285 મતદાનમથકો પર 21 મેના રોજ મતદાન થશે, જ્યારે તેનાં પરિણામો 24 મેના રોજ જાહેર કરવામાં આવશે.

    પશ્ચિમ બંગાળમાં બહુમતીનો આંકડો 148 બેઠકોનો છે. તૃણમૂલ કૉંગ્રેસ છેલ્લાં 15 વર્ષથી રાજ્યમાં સત્તામાં છે. ભાજપને આશા છે કે તે આ વખતે તૃણમૂલ કૉંગ્રેસને સત્તામાંથી બહાર કરશે.

    આસામ:

    126 બેઠકોવાળી આસામ વિધાનસભામાં વિજયી થવા માટે 64 બેઠકો લાવવી જરૂરી છે.

    મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા ભાજપ માટે સતત ત્રીજી વખત જીતનો દાવો કરી રહ્યા છે. તે જ સમયે, કૉંગ્રેસનો દાવો છે કે તે રાજ્યમાં સત્તામાં પાછી ફરશે.

    જોકે, આસામમાં મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપ ગઠબંધન આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

    કેરળ:

    140 બેઠકોવાળી કેરળ વિધાનસભામાં ડાબેરી સરકાર સતત 10 વર્ષથી સત્તામાં છે.

    અત્યાર સુધી, કેરળ વિધાનસભાની ચૂંટણીઓમાં મોટા ભાગે બે-તરફી સ્પર્ધા જોવા મળી છે. ઍક્ઝિટ પોલમાં પણ શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે સ્પર્ધા દર્શાવવામાં આવી છે, જ્યારે મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં યુડીએફ આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.

    તામિલનાડુ:

    આ વખતે તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ડીએમકે અને એઆઈડીએમકે ગઠબંધન ઉપરાંત ત્રીજા પક્ષે પણ પોતાની મજબૂત હાજરી દર્શાવી છે.

    આ ત્રીજો પક્ષ પ્રખ્યાત તમિલ સિનેમાના અભિનેતા વિજયનો ટીવીકે છે. તામિલનાડુ વિધાનસભાની 234 બેઠકો માટે 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થયું હતું.

    અહીં બહુમતી લાવવા 118 બેઠકો લાવવી જરૂરી છે.

    પુડુચેરી:

    પુડુચેરીમાં ભાજપની આગેવાની હેઠળનું એનડીએ ગઠબંધન પહેલેથી જ સત્તામાં છે.

    પુડુચેરી વિધાનસભાની 30 બેઠકો માટે બહુમતીનો આંકડો 16 છે.

    મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપની આગેવાનીવાળા ગઠબંધનને લીડ મળશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

  6. નમસ્કાર...બીબીસી ગુજરાતીના લાઇવ પેજ પર આપનું સ્વાગત છે..., હું બીબીસી સંવાદદાતા આર્જવ પારેખ આજે દિવસભર આપને ચૂંટણીનાં પરિણામોની મહત્ત્વની અપડેટ્સ આપતો રહીશ.

    પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીનાં ચૂંટણીપરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. પાંચ રાજ્યોમાં કોની સરકાર બનશે? કોણ કેટલી બેઠકો પર આગળ?

    ઇન્ફોગ્રાફિક્સ સાથે તમામ મહત્ત્વની અપડેટ્સ આજે બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજ પર તમને મળતી રહેશે. દિવસભર અમારી સાથે જોડાયેલા રહો.