મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે દિલ્હીમાં આજે પણ વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે. સોમવારે ઇન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે બારાખંભાથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાનું એલાન કર્યું છે. વિપક્ષના આ આહ્વાન બાદ દિલ્હીમાં પ્રદર્શનકારીઓની સંખ્યા સતત વધી રહી છે.
સારાંશ
દિલ્હીમાં વિરોધપ્રદર્શન : ચૂંટણી કમિશનર સામે કૉંગ્રેસનું પ્રદર્શન.
દિલ્હીમાં આજે પણ છ મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યાં છે.
સોમવારે વિપક્ષી પાર્ટીઓની સુપ્રીમ કોર્ટ સુધી માર્ચનું એલાન કરવામાં આવ્યું છે.
જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિપક્ષની સુપ્રીમ કોર્ટ સુધી કૂચ.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગને મળવાનો ઇનકાર કર્યો.
લાઇવ કવરેજ
સુપ્રીમ કોર્ટમાં વિપક્ષોએ ચૂંટણીપંચ અને જ્ઞાનેશકુમાર સામે પિટિશન દાખલ કરી, રાહુલ ગાંધી ખુદ બન્યા અરજદાર
સોમવારે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ કૂચ કરી રહેલા વિપક્ષી નેતાઓ ભારે સુરક્ષા વ્યવસ્થા છતાં પોલીસને
ચકમો આપવામાં સફળ રહ્યા હતા અને તિલક માર્ગથી સુપ્રીમ કોર્ટના ગેટ- બી પહોંચ્યા હતા.
બીબીસી સંવાદદાતા દિગવલ્લી પવનના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીની ટીમે
જણાવ્યું હતું કે ઇન્ડિયા બ્લૉકના સભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
અગાઉ, પ્રદર્શનકારીઓએ
ભગવાનદાસ માર્ગ થઈને સુપ્રીમ કોર્ટ પહોંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો પ્રયાસ
નિષ્ફળ ગયો હતો. ત્યાં ધક્કામુક્કી અને ઘર્ષણ પણ થયું હતું.
કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે પોલીસે તેમને
ઇન્ડિયા ગેટ સર્કલ પર રોકાવા દીધા ન હતા. ત્યારબાદ કાફલો બીજા રૂટ પર આગળ વધ્યો.
પછી બધા નેતાઓ સુપ્રીમ કોર્ટના ગેટ બી પર પહોંચી ગયા હતા.
આ પહેલા સુપ્રીમ કોર્ટ જઈ રહેલા વિપક્ષી નેતાઓને પોલીસે મંડી હાઉસ પાસે અટકાવ્યા હતા.
બીબીસી સંવાદદાતા વિષ્ણુકાંત તિવારીના જણાવ્યા અનુસાર, થોડો સમય રસ્તા પર બેઠા રહ્યા પછી, વિરોધપક્ષના નેતાઓ સાંજે છ વાગ્યાની આસપાસ પાછા ફરવા લાગ્યા હતા અને ઇન્ડિયા ગેટ તરફ વળ્યા.
અગાઉ, જ્યારે તેમને રોકવામાં આવ્યા, ત્યારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ અને પોલીસે તેમને પાછળ ધકેલવાનો પ્રયાસ કર્યો.
ભાજપના નેતા અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર અરાજકતા
ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના સાંસદ શશિ થરૂર પણ ઇન્ડિયા ગઠબંધન આયોજિત સુપ્રીમ કોર્ટ સુધીની માર્ચમાં જોડાયા હતા (ફાઇલ ફોટો)
કૉંગ્રેસના સાંસદ શશિ થરૂર પણ ઇન્ડિયા ગઠબંધન આયોજિત
સુપ્રીમ કોર્ટ સુધીની માર્ચમાં જોડાયા હતા.
માર્ચ દરમિયાન તેમણે સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત
કરતાં કહ્યું, "બંધારણનું રક્ષણ કોઈ પણ રાજકારણથી ઉપર છે. નાગરિકો
પાસેથી તેમનો મતાધિકાર છીનવી લેવામાં આવ્યો છે. 13 કરોડ લોકો પોતાનો મત આપવાનો
અધિકાર ગુમાવી ચૂક્યા છે."
સોમવારે વિપક્ષના સાંસદો અને નેતાઓએ સેંકડો સમર્થકો સાથે
"માર્ચ ફૉર ડેમૉક્રેસી"ની શરૂઆત કરી છે. આ માર્ચ બારાખંભા મેટ્રો
સ્ટેશનથી શરૂ થઈને સુપ્રીમ કોર્ટ સુધી જશે.
વિપક્ષી પક્ષોનું કહેવું છે કે તેઓ કથિત
"મતચોરી"ના આરોપો અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે સુપ્રીમ
કોર્ટમાં અરજી દાખલ કરશે.
આ માર્ચમાં રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના અનેક
વરિષ્ઠ નેતાઓ, સાંસદો અને વિવિધ પક્ષોના કાર્યકરો સામેલ થયા છે.
વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળા થયા છે, જ્યારે
આ મુદ્દે કેન્દ્ર સરકાર અને ચૂંટણીપંચ અગાઉ પણ આવા આરોપોને નકારી ચૂક્યા છે.
જંતર-મંતર હવે વિરોધપ્રદર્શન નહીં થઈ શકે, સીજેપીએ કહ્યું- 'આખો દેશ જંતર-મંતર બની રહ્યો છે'
ઇમેજ સ્રોત, ANI
ઇમેજ કૅપ્શન, સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસે આ નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો છે
દેશભરનાં વિવિધ આંદોલનો માટે લગભગ સાડા ત્રણ દાયકાથી
કેન્દ્રસ્થાન રહેલા દિલ્હીના જંતર-મંતર હવે વિરોધપ્રદર્શન નહીં કરી શકાય.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ તાજેતરના નિર્ણયને લઈને
કૉક્રોચ જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે.
સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ આ નિર્ણયને તાનાશાહી
ગણાવ્યો અને કહ્યું, "આજે મોદીએ જંતર-મંતરને વિરોધપ્રદર્શન માટેની નિર્ધારિત
જગ્યાઓની યાદીમાંથી હટાવી દીધું છે. કાલે તેઓ લોકશાહીને જ યાદીમાંથી દૂર કરી
દેશે."
"તાનાશાહની સમસ્યા ક્યારેય વિરોધપ્રદર્શનની જગ્યા નહોતી.
ખરેખર સમસ્યા તો લોકો વિરોધ કરે છે એ વિચાર સાથે જ હતી."
છેલ્લા ઘણા દિવસોથી વિરોધપ્રદર્શન કરતાં વામપંથી
વિદ્યાર્થી સંગઠન આઇસાનાં નેતા નેહા બોરાની ટીમે ઍક્સ પર લખ્યું,
"અમે અમારા જંતર-મંતર માટે લડીશું! આ માત્ર એક જગ્યા નથી, પરંતુ
લોકોનો અવાજ છે. અને અમારા અવાજને દબાવી શકાય તેમ નથી!"
સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસે આ નિર્ણયને અસ્વીકાર્ય
ગણાવતા ઍક્સ પર લખ્યું, "નરેન્દ્ર મોદી જંતર-મંતરથી શા માટે ડરે છે? જંતર-મંતર
ભારતના લોકોનું છે. શું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતના લોકો સાથે કોઈ
ચર્ચા-વિચારણા કરી હતી? શું કોઈ હિતધારકો સાથે ચર્ચા કરાઈ હતી? શું કોઈ
સંગઠનની સલાહ લેવામાં આવી હતી?"
તેમણે વધુમાં લખ્યું, "લખી
રાખજો, જેમ તેઓ લોકોના જંતર-મંતરને વિરોધપ્રદર્શન માટેની
નિર્ધારિત જગ્યાઓની યાદીમાંથી હટાવી રહ્યા છે, તેમ
ટૂંક સમયમાં વડા પ્રધાન ભારતમાંથી લોકશાહીને પણ હટાવી દેશે. આ પગલું એ જ દિશામાં
ભરાયું છે."
સૌરવ દાસે આગળ જણાવ્યું, "અમે આ
મનસ્વી નિર્ણયને સ્વીકારતા નથી. આ લોકોના વિરોધ કરવાના અને શાંતિપૂર્ણ રીતે એકત્ર
થવાના મૂળભૂત અધિકાર પર સીધો હુમલો છે. હવે આખો દેશ જંતર-મંતર બની રહ્યો છે!"
જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ, વિપક્ષની માર્ચમાં લોકો ઊમટ્યાં
ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે
રાહુલ ગાંધી, પ્રિયંકા
ગાંધી અને આઇસાનાં વિદ્યાર્થી
નેતા નેહા બોરા સહિત વિપક્ષના અનેક નેતાઓ સુપ્રીમ કોર્ટ સુધી વિરોધ માર્ચ કાઢી
રહ્યાં છે.
સમાચાર એજન્સી રૉયટર્સે જાહેર કરેલા માર્ચના વીડિયોમાં મંડી હાઉસ અને
સુપ્રીમ કોર્ટ વચ્ચેના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયેલા જોવા મળે છે.
ભીડમાં ઘણા લોકો કૉંગ્રેસના ધ્વજ સાથે જોવા મળે છે અને સ્થળ પર ઢોલ-નગારાં પણ વાગી રહ્યાં છે.
ઇમેજ સ્રોત, Getty Images
પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક ખુલ્લી ગાડીમાં જોવા મળ્યાં હતાં. તેમની સાથે વિપક્ષના અનેક અન્ય નેતાઓ પણ હાજર હતા.
સ્થળ પર હાજર બીબીસી સંવાદદાતા જુગલ પુરોહિતના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસથી પ્રદર્શનકારીઓ એકઠા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ સોમવારે કનોટ પ્લૅસ નજીક બારાખંભા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.
તેમના જણાવ્યા મુજબ, માર્ચ શરૂ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં વિપક્ષી પક્ષોના કાર્યકરો, પ્રદર્શનકારીઓ, વિદ્યાર્થીઓ, વકીલો તથા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા.
ઇન્ડિયા ગઠબંધનની માર્ચમાં સોમવારે સમાજવાદી પાર્ટીના
પ્રમુખ અખિલેશ યાદવ પણ જોડાયા હતા.
મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું,
"આંદોલન અને ધરણાં-પ્રદર્શન ચાલુ રહેશે. લોકશાહીને બચાવવાની જવાબદારી અમારી
છે. ભારતીય જનતા પાર્ટી ચૂંટણીપંચ સાથે મળીને બંધારણ અને લોકશાહીને ખતમ કરવા માગે
છે. તે હંમેશાં સત્તામાં જ રહેવા માગે છે."
તેમણે આરોપ લગાવ્યો કે "નકલી મતદારયાદીઓ બનાવાય છે, નકલી
મતદાન કરાવાય છે અને ચૂંટણીનાં પરિણામોમાં ગોટાળા કરાયા છે. અમે કાનૂની અને
લોકશાહી ઢબે અમારો વિરોધ ચાલુ રાખીશું."
અખિલેશ યાદવે કહ્યું કે માત્ર વિરોધપ્રદર્શનનું સ્થળ
બદલી દેવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી.
"જો સરકાર લોકશાહીને મજબૂત બનાવવા માગતી હોય, તો તેને
વિરોધપ્રદર્શન માટે વધુ સ્થળોની વ્યવસ્થા કરવી જોઈએ. માત્ર પ્રદર્શનનું સ્થળ બદલી
દેવાથી સરકારની કથિત ભૂલો છુપાઈ શકતી નથી."
તેમણે કહ્યું, "અમે લોકશાહી
માટે અમારો અવાજ ઉઠાવતા રહીશું. આ લડત ચાલુ રહેશે."
જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિપક્ષના નેતાઓની સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ
ઇમેજ સ્રોત, Reuters
ભારતના
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે વિપક્ષી નેતાઓ સુપ્રીમ
કોર્ટ સુધી માર્ચ કરી રહ્યા છે.
આ
માર્ચમાં રાહુલ ગાંધી, પ્રિયંકા લોકો સાથે ચાલતાં દેખાઈ રહ્યાં છે.
સ્થળ
પરથી બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું છે કે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી
અને અન્ય વિપક્ષી નેતાઓ બસમાં સવાર થઈને બરાખંભા મેટ્રો સ્ટેશનની બહાર પહોંચ્યા
છે.
અહીં
કૉંગ્રેસ, સમાજવાદી
પાર્ટી, ડાબેરી પક્ષોના કાર્યકરો તેમજ સેંકડો વિદ્યાર્થીઓ
હાજર છે.
ઇમેજ સ્રોત, RAHUL GANDHI
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અનેક નેતાઓ આ માર્ચમાં જોડાયાં છે
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ સ્રોત, Reuters
દિલનવાઝ પાશાના જણાવ્યા અનુસાર, બરાખંભા મેટ્રો સ્ટેશનથી મંડી હાઉસ તરફ જવાના માર્ગ પર દૂર સુધી લોકોની જ ભીડ જોવા મળી રહી છે.
માર્ગના આગળના ભાગે પોલીસે બેરિકેડ્સ ગોઠવ્યા છે. આ બેરિકેડ્સ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થવાની શક્યતા જોવા મળી રહી છે.
કૉંગ્રેસ અને વિપક્ષના અનેક સાંસદો પણ રાહુલ ગાંધીની સાથે હાજર છે.
ઉલ્લેખનીય છે કે સોમવારે ઇન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે બારાખંભાથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાનું એલાન કર્યું છે. વિપક્ષના આ આહ્વાન બાદ દિલ્હીમાં પ્રદર્શનકારીઓની સંખ્યા સતત વધી રહી છે.
અગાઉ રાહુલ ગાંધી, કૉંગ્રેસે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ)ને મળવાનો સમય માગ્યો હતો. જોકે સીજેઆઈ સૂર્યકાંતે તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો.
સીજેઆઈ સૂર્યકાંતે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર
ઇમેજ કૅપ્શન, સીજેઆઈ સૂર્યકાંતે પત્રમાં લખ્યું કે કોઈ પૅન્ડિંગ કેસ અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવી એ બંધારણમાં નક્કી કરાયેલા સત્તાના વિભાજનના સિદ્ધાંત વિરુદ્ધ ગણાશે
ભારતના મુખ્ય
ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંતે 11 ઑક્ટોબરના રોજ રાજ્યસભામાં વિપક્ષના નેતા
મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે.
પત્રમાં કહેવાયું છે
કે કોઈ પૅન્ડિંગ કેસ અંગે ચર્ચા કરવા માટે બેઠક બોલાવવી એ બંધારણમાં નક્કી કરાયેલા
સત્તાના વિભાજનના સિદ્ધાંત વિરુદ્ધ ગણાશે.
રવિવારે રાહુલ ગાંધી
અને મલ્લિકાર્જુન ખડગેએ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઈ) સાથે મુલાકાત માટે સમય
માગ્યો હતો. જોકે, સીજેઆઈ સૂર્યકાંતે
તેમને મળવાનો ઇનકાર કર્યો હતો.
કૉંગ્રેસે સીજેઆઈ
સૂર્યકાંતનો જવાબ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કર્યો છે.
પત્ર મુજબ, સીજેઆઈએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ માટે આવું પગલું
ન્યાયિક મર્યાદા અને સ્થાપિત પરંપરાઓ અનુરૂપ નથી.
તેમણે એ પણ સ્પષ્ટ
કર્યું કે બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટને વિપક્ષી નેતાઓના પત્રમાં ઉલ્લેખિત મુદ્દાઓ
પર વહીવટી સ્તરે કાર્યવાહી કરવાનો અધિકાર નથી.
જોકે, તેમણે કહ્યું કે બંધારણની કલમ 32 અને ન્યાયિક
સમીક્ષા જેવી સત્તાઓ હેઠળ સુપ્રીમ કોર્ટ નાગરિકોના અધિકારો સાથે જોડાયેલા
મુદ્દાઓની સુનાવણી કરવા અને નિર્ણય આપવા માટે બંધાયેલી છે.
સૂર્યકાંતે પત્રમાં
લખ્યું કે સુપ્રીમ કોર્ટ દરેક નાગરિકના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે સંપૂર્ણ
પ્રતિબદ્ધ છે અને કોઈ પણ નાગરિક પોતાના અધિકારોના રક્ષણ માટે કાયદાકીય પ્રક્રિયા
અનુસાર કોર્ટનો દરવાજો ખટખટાવી શકે છે.
તેમણે વિપક્ષી
નેતાઓને સલાહ આપી કે તેઓ વહીવટી સ્તરે રજૂઆત કરવા કરતાં ન્યાયિક પ્રક્રિયાનો માર્ગ
અપનાવે અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરે.
તેમણે વિશ્વાસ
અપાવ્યો કે કાયદા મુજબ આવી કોઈ પણ અરજી પર શક્ય તેટલી વહેલી તકે સુનાવણી કરવામાં
આવશે.
ઇન્ડિયા ગઠબંધનના વિરોધપ્રદર્શન અગાઉ દિલ્હીમાં કેવો માહોલ છે, જુઓ તસવીરો
ઇમેજ સ્રોત, ani
ઇમેજ કૅપ્શન, નવી દિલ્હીમાં સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પાસે તહેનાત સુરક્ષાકર્મી
સોમવારે ઇન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર
જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે બારાખંભાથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાનું
એલાન કર્યું છે.
વિપક્ષના આ આહ્વાન બાદ દિલ્હીમાં પ્રદર્શનકારીઓની
સંખ્યા સતત વધી રહી છે.
અગાઉ રાહુલ ગાંધી, કૉંગ્રેસે અધ્યક્ષ
મલ્લિકાર્જુન ખડગેએ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઇ)ને મળવાનો સમય માગ્યો હતો. જોકે
સીજેઆઈ સૂર્યકાંતે તેમને મળવાનો ઇનકાર કરી દીધો હતો.
તો દિલ્હીમાં વિરોધપ્રદર્શન અને ધરણા
આયોજન માટે સ્થળ જંતર-મંતરને નિર્ધારિત સ્થળોની સૂચિમાંથી બાકાત કરી દીધું છે.
સુપ્રીમ કોર્ટ : "અમે ફૉર્મ-6ને ન તો મંજૂરી આપી, ન તો નકારી કાઢ્યું છે"
ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
ઇમેજ કૅપ્શન, કોર્ટે જણાવ્યું કે આ ફૉર્મની કાનૂની માન્યતા અંગે હજુ સુધી કોઈ ન્યાયિક નિર્ણય આપવામાં આવ્યો નથી
સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું કે
નવા મતદારોની નોંધણી પ્રક્રિયા સાથે જોડાયેલા નવા ફૉર્મ-6ને તેણે ન તો મંજૂરી આપી
છે અને ન તો તેને નકારી કાઢ્યું છે.
લાઇવ લૉના અહેવાલ મુજબ, કોર્ટે જણાવ્યું
કે આ ફૉર્મની કાનૂની માન્યતા અંગે હજુ સુધી કોઈ ન્યાયિક નિર્ણય આપવામાં આવ્યો નથી.
મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સૂર્યકાંત, ન્યાયમૂર્તિ
જૉયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની બેન્ચે ચૂંટણીપંચ સંબંધિત એક મામલાની
સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલ
નરેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું,
"5 ઑક્ટોબરે આ કોર્ટે પહેલેથી જ સ્પષ્ટ કર્યું હતું કે ફૉર્મ-6ને
મંજૂરી આપવામાં આવી નથી, પરંતુ ચૂંટણીપંચે કહ્યું કે તેને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી
છે."
આના જવાબમાં ન્યાયમૂર્તિ જૉયમાલ્ય બાગચીએ
કહ્યું, "નવા ફૉર્મ-6 અંગે કોઈ ન્યાયિક નિર્ણય લેવાયો નથી."
ત્યાર બાદ મુખ્ય ન્યાયાધીશે વકીલોને
ટોકતાં કહ્યું, "મહેરબાની કરીને સમાચાર બનાવવા માટે શબ્દોને પસંદ કરીને રજૂ ન
કરો."
ન્યાયમૂર્તિ બાગચીએ વધુ સ્પષ્ટતા કરતાં
કહ્યું કે મુખ્ય ન્યાયાધીશની ટિપ્પણીનો અર્થ માત્ર એટલો જ હતો કે મે 2026માં
બિહારના વિશેષ સઘન પુનરીક્ષણ (એસઆઇઆર) સંબંધિત કેસમાં જ્યારે નિર્ણય આપવામાં આવ્યો
હતો, ત્યારે
નવું ફૉર્મ-6 અસ્તિત્વમાં જ નહોતું.
તેમણે કહ્યું કે આ ટિપ્પણીનો અર્થ એવો
નથી કે સુપ્રીમ કોર્ટે નવા ફૉર્મ-6ને મંજૂરી આપી છે અથવા તેને નકારી કાઢ્યું છે.
કોર્ટ આ મુદ્દાની તપાસ કરશે.
બેન્ચે અરજી પર નોટિસ જારી કરવા માટે
સંમતિ આપી અને આ મામલાને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ દાખલ કરવામાં
આવેલી સંબંધિત અરજીઓ સાથે 27 ઑક્ટોબરે સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો.
દિલ્હી પોલીસે કહ્યું કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન નહીં કરી શકાય, 3 નવાં સ્થળો નક્કી કરાયાં
ઇમેજ સ્રોત, ani
ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા
નાગરિકોનાં વિરોધપ્રદર્શન અને ધરણાં માટે વૈકલ્પિક સ્થળો નક્કી કરવા એક વિશેષ
કમિટીની રચના કરવામાં આવી હતી.આ સમિતિએ સોંપેલી ભલામણોના આધારે રાજધાની દિલ્હીમાં વર્ષોથી
આંદોલનોનું કેન્દ્ર રહેલા ઐતિહાસિક 'જંતર-મંતર'
સ્થળને પ્રોટેસ્ટ સ્થળ તરીકે રદ (ડી-નોટિફાય) કરવામાં આવ્યું છે.જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકાયા બાદ, હવે નવા વૈકલ્પિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે.
ઇમેજ સ્રોત, Arun Shankar/Getty
આ નવા નિર્દેશો અનુસાર, દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો અને રેલીઓ યોજવા માટે ત્રણ નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.જેમાં રામલીલા મેદાન, બુરાડી મેદાન અને પૂર્વ દિલ્હીનું સીબીડી ગ્રાઉન્ડ સામેલ છે. આ ત્રણેય ગ્રાઉન્ડ્સ પર જ આગામી સમયમાં તમામ પ્રકારનાં જાહેર વિરોધપ્રદર્શનો યોજાશે.આ નવાં સ્થળો પર આંદોલનો અને ધરણાંના આયોજન માટે એક વિગતવાર અને સુધારેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) આગામી દિવસોમાં અલગથી જારી કરવામાં આવશે.આ એસઓપીમાં વિરોધ પ્રદર્શન માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા, ભાગ લેનાર લોકોની મર્યાદા અને સુરક્ષા વ્યવસ્થા જેવા નિયમો સ્પષ્ટ કરવામાં આવશે.
રાહુલ ગાંધીનું નિવેદન: "અમે જ્ઞાનેશકુમારને છોડવાના નથી, માત્ર રાહ જોઈ રહ્યા છીએ"
ઇમેજ સ્રોત, indian national congress
ઇમેજ કૅપ્શન, લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ 'ચલો દિલ્હી' માર્ચનું એલાન કર્યું છે
લોકસભામાં વિપક્ષના નેતા અને કૉંગ્રેસના
સાંસદ રાહુલ ગાંધીએ 'ચલો દિલ્હી' માર્ચનું એલાન કર્યું છે. તેમણે કહ્યું છે કે તેમને મુખ્ય ચૂંટણી
કમિશનર જ્ઞાનેશકુમારના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી છે.
સોમવારે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સ
દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું,
"અમે એ જ સવાલ ઉઠાવી રહ્યા છીએ જે બે ચૂંટણી કમિશનરોએ ઉઠાવ્યો હતો.
જ્ઞાનેશકુમાર રાજીનામું કેમ નથી આપતા?"
"જ્ઞાનેશકુમારજી, અમે જાણીએ છીએ કે
તમારી હાલત કેવી છે, તમને ઊંઘ આવતી નથી. અમે તમને છોડવાના નથી, તમે બચી નહીં શકો."
"અમને તમારા ભૂતકાળ અને તમારા ભ્રષ્ટાચાર વિશે જાણ છે. અમે માત્ર રાહ જોઈ રહ્યા
છીએ."
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે થઈ રહેલી
પોલીસ કાર્યવાહીને લઈને તેમણે કહ્યું કે સરકાર ખૂબ મોટી ભૂલ કરી રહી છે.
રાહુલ ગાંધીએ કહ્યું, "દિલ્હીમાં
ઘણા દિવસોથી મતચોરીના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યાં છે. સવાલ એ છે કે દિલ્હીને
કેમ જેલમાં બદલી નખાઈ?"
"બધી જગ્યાએ પોલીસ જોવા મળી રહી છે.
લોકોને શહેરમાં આવતાં રોકવામાં આવી રહ્યા છે. ટ્રેનો અને બસોમાં તેમને અટકાવવામાં
આવી રહ્યા છે."
તેમણે વધુમાં કહ્યું, "અમે
ઇચ્છીએ છીએ કે 20-25 હજાર પોલીસવાળા રસ્તા પર હોય, પણ સરકાર ખૂબ મોટી ભૂલ કરી રહી છે, કારણ કે અમે દેશને
બતાવવા માગીએ છીએ કે મોદીજી જ્ઞાનેશકુમારને બચાવી રહ્યા છે."
"તેમને જેટલી વધુ
સુરક્ષા આપવામાં આવશે, એટલી જ સરળતાથી અમે અંતે તેમનાં નિયંત્રકો સુધી પહોંચી શકીશું."
"અમને
એવી માહિતી મળી રહી છે કે પોલીસકર્મીઓ પરેશાન છે, કારણ કે તેમને યુવાનોને મારપીટ કરવાનો
આદેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે આરએસએસના સભ્યોને ખુલ્લી છૂટ આપવાના નિર્દેશ આપવામાં આવી
રહ્યા છે."
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સોમવારે
અન્ય વિપક્ષી નેતાઓ સાથે બપોરે 1:30 વાગ્યે કનોટ પ્લૅસના બારાખંભા જંક્શનથી
સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાના છે.
ઇમેજ કૅપ્શન, ભારતના મુખ્ય ન્યાયાધીશે મુલાકાત ન કરી શકાવાના કેટલાંક કારણો પણ જણાવ્યાં છે, પરંતુ પત્રની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને તેમને જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો (ફાઇલ ફોટો)
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે વિરોધ પક્ષોના સાંસદો સાથે મુલાકાત કરવાનો ઇનકાર કર્યો છે.
મુખ્ય ન્યાયાધીશએ મુલાકાત ન કરી શકવાના કેટલાંક કારણો પણ આપ્યા છે, પરંતુ પત્રની ગોપનીયતાનો ઉલ્લેખ કરતાં તેમણે તેને જાહેર કરવાનો ઇનકાર કર્યો છે.
મીડિયા સાથેની વાતચીત દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે સોમવારે કહ્યું હતું, "મને ગઈકાલે તેમનો (વિપક્ષનો) પત્ર મળ્યો હતો. મેં ગઈ રાત્રે જ તેનો જવાબ આપી દીધો છે. મેં કેટલાંક કારણો આપ્યાં છે, જેના આધારે મેં મારી અસમર્થતા વ્યક્ત કરી છે કે હું મળી શકીશ નહીં."
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતને વન નેશન-વન ઇલેકશન અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની સુપ્રીમ કોર્ટની મુલાકાત રદ કરવામાં આવી હોવા અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
તેના જવાબમાં તેમણે કહ્યું હતું, "તે મામલામાં (વન નેશન-વન ઇલેકશન જેપીસીની બેઠક) અદાલતમાં હિતોના ટકરાવની સ્થિતિ ઊભી થવાની સંભાવના હતી. આ જ કારણસર અમે વહીવટી સ્તરે તેના પર ચર્ચા કરી હતી. મારા વરિષ્ઠ ન્યાયિક સહયોગીઓ અને મારું માનવું હતું કે આપણે હિતોના કોઈપણ ટકરાવથી બચવું જોઈએ."
આ પહેલાં, કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે જણાવ્યું હતું કે તેમણે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત સાથે મુલાકાત માટે પત્ર લખીને સમય માંગ્યો હતો.
જોકે, હવે મુખ્ય ન્યાયાધીશે વિપક્ષના સાંસદોને મળવામાં પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી.
ધ્રુવ રાઠીએ CJP સાથે સંબંધ અને રાજકારણમાં જોડાવા પર શું કહ્યું
ઇમેજ સ્રોત, Arvind Yadav/Hindustan Times via Getty Images
ઇમેજ કૅપ્શન, ધ્રુવ રાઠી વિરોધપ્રદર્શનમાં ભાગ લેવા દિલ્હી આવ્યા હતા
મશહૂર યૂટ્યુબર ધ્રુવ રાઠીએ કહ્યું છે કે તેઓ કૉક્રોચ જનતા પાર્ટી (CJP) સાથે જોડાયેલા નથી અને તેઓ વ્યક્તિગત રીતે પ્રદર્શનામાં ભાગ લેવા આવ્યા હતા.
ધ્રુવ રાઠીએ રવિવારે મીડિયાથી વાતચીત દરમિયાન કહ્યું કે જેમ દેશના અન્ય લોકો પ્રદર્શન કરવા આવ્યા હતા, તેવી જ રીતે તેઓ પણ તેમાં જોડાવા આવ્યા હતા.
ધ્રુવ રાઠીએ કહ્યું, "મતોની ચોરી ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. હું તેનો વિરોધ વ્યક્ત કરવા અહીં આવ્યો હતો. હું અહીં વ્યક્તિગત રીતે આવ્યો છું, હું CJP સાથે જોડાયેલો નથી."
ધ્રુવ રાઠીને પૂછવામાં આવ્યું કે શું તેઓ કોઈ રાજકીય પક્ષમાં જોડાશે?
જવાબમાં તેમણે કહ્યું, "હું મુદ્દાઓની સાથે છું, પરંતુ રાજકારણમાં જોડાઈશ નહીં. પરંતુ જો કોઈ પક્ષે કોઈ મુદ્દો ઉઠાવ્યો હોય, તો તે મુદ્દાને સમર્થન આપવામાં મને કોઈ વાંધો નથી."
ઉલ્લેખનીય છે કે ધ્રુવ રાઠીને શનિવારે ગુરુગ્રામ ખાતે તેમના ઘરેથી અકટાયતમાં લેવામાં આવ્યા હતા. જોકે, મુક્ત થયા બાદ તેમણે તેને "કિડનેપિંગ" ગણાવ્યું હતું.
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) એ જાહેરાત કરી છે કે જો પોલીસ તેમને 24
કલાકની અંદર વિરોધપ્રદર્શન કરવાની
મંજૂરી નહીં આપે તો તેઓ ફરીથી પ્રદર્શનનો કૉલ આપશે.
સીજેપીના સત્તાવાર ઍક્સ હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે આજે એટલે
કે સોમવારે પાર્ટીના સહ-સંયોજક આશુતોષ રાંકા, સૌરવ દાસ અને લીગલ હેડ રત્ના સિંહ સવારે 10 વાગ્યે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ
સ્ટેશન જશે.
સીજેપીએ
કહ્યું, "અમે
જંતર-મંતર પર અમારા શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન માટે તારીખ માંગવા માટે પોલીસ
સ્ટેશન જઈશું. દિલ્હી પોલીસ અમને 24 કલાકની અંદર તારીખ આપી શકે છે, નહીં તો અમે જાતે અમારા વિરોધપ્રદર્શનનું
એલાન કરીશું."
આના એક
દિવસ પહેલાં, એટલે કે
રવિવારે જ, સીજેપીના સ્થાપક અભિજિત દીપકે અને તેમના બે
અન્ય સાથીઓને પોલીસ અટકાયતમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
આ પછી,
સીજેપી દ્વારા
કહેવામાં આવ્યું કે બધા ‘કૉક્રોચ' પાછા હટે, ટૂંક
સમયમાં આગળનો કૉલ આપવામાં આવશે.
'વોટ ચોરી'ના મુદ્દે આજે વિપક્ષ સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે, સીજેઆઈએ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને મળવાનો કર્યો ઇનકાર
ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય
ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાં માટેના તીવ્ર બની રહેલા આંદોલન વધુ વેગ આપવા વિપક્ષી પક્ષો સોમવારે સુપ્રીમ કોર્ટ
તરફ કૂચ કરશે. જેમાં કૉંગ્રેસના રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે "વોટ ચોરી"ના મુદ્દા સાથે
ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ)
સૂર્યકાંત સાથે મુલાકાતની માંગ કરશે.સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જોકે, મુખ્ય ન્યાયાધીશે "વોટ ચોરી"ના આરોપો
પર લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે સમાન મામલો
સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.
સમાચાર
એજન્સી પીટીઆઈ અનુસાર, રાહુલ
ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ સીજેઆઈ સૂર્યકાંતને પત્ર લખીને સોમવારે સાંજે 4 થી 5 વાગ્યાની વચ્ચે એક મેમોરેન્ડમ સોંપવા માટે વિનંતી
કરી હતી, જેમાં
"વોટ ચોરી" બંધ કરવાની, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનું રાજીનામું આપવાની,
મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ
રિવિઝન (એસાઈઆર)
ને રોકવાની અને પેપર બેલેટ ફૉર્મેટ
પર પાછા ફરવાની માંગ કરવામાં આવી હતી.
દિલ્હી મેટ્રોએ આજે આ છ સ્ટેશનો 10 કલાક માટે બંધ
ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી
મેટ્રો રેલ કૉર્પોરેશન (ડીએમઆરસી)
એ સુરક્ષા કારણોનો હવાલો આપીને
સોમવારે છ મેટ્રો સ્ટેશનો લગભગ 10 કલાક માટે બંધ કર્યાં છે.
ડીએમઆરસીએ
જણાવ્યું છે કે આ સ્ટેશનો પર સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મુસાફરોના પ્રવેશ અને બહાર નીકળવા પર
પ્રતિબંધ રહેશે.
ડીએમઆરસીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. "સુરક્ષાના કારણોસર, આ મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાનાં સ્થળો 12 ઑક્ટોબર, 2026ના
રોજ સવારે 06:00થી સાંજે 04:00 વાગ્યા સુધી બંધ રહેશે,"
"ત્યારબાદ
સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિની સમીક્ષા કરશે અને જરૂર મુજબ નવી માહિતી શેર કરશે.
જોકે, તમામ
સંબંધિત મેટ્રો સ્ટેશનો પર મેટ્રો ઍક્સચેન્જ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે."
આ છ
મેટ્રો સ્ટેશનો બંધ છે: પટેલ ચોક, જનપથ, રાજીવ ચોક, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટ્રીએટ અને બારાખંભા રોડ.