Live, ‘પેપર લીક મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત વિદ્યાર્થીઓની ક્રૂર મજાક છે’, પીએમ મોદીની જાહેરાત પર સીજેપીએ શું કહ્યું?

કૉક્રોચ જનતા પાર્ટીએ પીએમની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દેશમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટનો અભાવ એ પેપર લીકનું કારણ નથી. કૉક્રોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ કહ્યું, “ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત માત્ર ધ્યાન ભંગ કરવા જેવી છે. દેશના લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે આ ક્રૂર મજાક છે.”

સારાંશ

  • પીએમ મોદીએ કહ્યું કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે જલદી ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવામાં આવશે.
  • 'પેપર લીક મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત વિદ્યાર્થીઓની ક્રૂર મજાક છે', પીએમ મોદીની જાહેરાત પર સીજેપીએ કહ્યું.
  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાહુલનો જવાબ, 'તમે જ આપણાં બાળકોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું'.
  • પ્રમાણે ગુરુવારે વહેલી સવારથી જ જંતર-મંતર પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
  • કૉક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મામલે કોઈ સમજૂતી નહીં થાય.
  • દિલ્હીનાં મેટ્રો સ્ટેશન આજે પણ રહેશે બંધ, કેટલાંક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા.

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. ‘પેપર લીક મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત વિદ્યાર્થીઓની ક્રૂર મજાક છે’, પીએમ મોદીની જાહેરાત પર સીજેપીએ શું કહ્યું?

    ‘પેપર લીક મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત વિદ્યાર્થીઓની ક્રૂર મજાક છે’, પીએમ મોદીની જાહેરાત પર સીજેપીએ શું કહ્યું?

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, કૉક્રોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ કહ્યું, “ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત માત્ર ધ્યાન ભંગ કરવા જેવી છે. દેશના લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે આ ક્રૂર મજાક છે.”

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે પેપર લીક કૌભાંડના દોષિતોને સજા આપવા માટે દેશમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.

    પીએમ મોદીની જાહેરાતને ગૃહ મંત્રી અમિત શાહે વધાવી છે. તેમણે ઍક્સ પર પીએમ મોદીની જાહેરાતના ટ્વિટને શૅર કરતા લખ્યું, “યુવાનોનું હિત અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પણ છે અને સંકલ્પ પણ. વડા પ્રધાન દ્વારા ફાસ્ટ ટ્રૅક કોર્ટના ગઠનથી પેપર લીકના કેસમાં દોષિતોની વિરુદ્ધમાં ઝડપી અને કઠોર કાર્યવાહીનો નિર્ણય આનું પ્રતિબિંબ છે. પેપર લીકના કારણે યુવાનોના ભવિષ્ય સાથે રમનારા વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ પગલું માઇલસ્ટોન સાબિત થશે.”

    તો બીજી તરફ, કૉક્રોચ જનતા પાર્ટીએ પીએમની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દેશમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટનો અભાવ એ પેપર લીકનું કારણ નથી.

    કૉક્રોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ કહ્યું, “ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત માત્ર ધ્યાન ભંગ કરવા જેવી છે. દેશના લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે આ ક્રૂર મજાક છે.”

    તેમણે કહ્યું, “દેશમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટ ન હોવાને કારણે પેપર લીક થઈ નથી રહ્યું પરંતુ ધર્મેન્દ્ર પ્રધાન બિનકાર્યક્ષમ હોવાથી આ ઘટનાઓ ઘટી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાન પરીક્ષાઓ માટે સારી અને સુરક્ષિત વ્યવસ્થા બનાવવા માટે અયોગ્ય છે.”

    કૉક્રોચ જનતા પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર જ્યાં સુધી અમારી માગ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.

    તેમની માગણી આ પ્રમાણે છે.

    1)ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.

    2)જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેમને માટે રાહત ભંડોળ.

    3)શાંતિપૂર્વક પ્રદર્શન કરનારા સામે કાર્યવાહી કરનારાને સજા.

    4)પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ સામે કોઈ ગુના નોંધવા ન જોઈએ.

  2. કૉક્રોચ જનતા પાર્ટીએ કહ્યું, ‘જે કરવું હોય તે કરો, લોકો જંતર-મંતર પર આવીને જ રહેશે’

    નીટ પેપર લીક સામે જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટીના આંદોલનને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. અહીં તેના સમર્થનમાં સેંકડો યુવાનો આંદોલનના સ્થળે પહોંચી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં પોલીસ અને યુવાનો વચ્ચે ટકરાવ પણ જોવા મળ્યો છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, નીટ પેપર લીક સામે જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટીના આંદોલનને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે.

    દિલ્હી મેટ્રોનાં 16 સ્ટેશનો બંધ કરવા પર કૉક્રોચ જનતા પાર્ટી(સીજેપી)એ કડક પ્રતિક્રિયા આપી છે.

    કૉક્રોચ જનતા પાર્ટીએ આ સ્ટેશનોને બંધ કરવાની સૂચના પર પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “તેનો શો અર્થ છે, મોદી જી, ધર્મેન્દ્ર પ્રધાનને હઠાવો અને મામલો સમાપ્ત કરો.”

    કૉક્રોચ જનતા પાર્ટીએ લખ્યું, “મેટ્રો સ્ટેશન બંધ કરવાનું રોજ નાટક શા માટે, કંઈ પણ કરો, લોકો જંતર-મંતર પર આવતા રહેશે.”

    નીટ પેપર લીક સામે જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટીના આંદોલનને એક મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. અહીં તેના સમર્થનમાં સેંકડો યુવાનો આંદોલનના સ્થળે પહોંચી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં પોલીસ અને યુવાનો વચ્ચે ટકરાવ પણ જોવા મળ્યો છે.

  3. કમલ હાસને સીજેપી સમર્થકોને કઈ અપીલ કરી, શું કહ્યું?

    અભિનેતા કમલ હાસને સોનમ વાંગચુકને અપીલ કરીને અનશન સમાપ્ત કરવા કહ્યું છે.

    ઇમેજ સ્રોત, SUJIT JAISWAL/AFP via Getty Images

    ઇમેજ કૅપ્શન, અભિનેતા કમલ હાસને સોનમ વાંગચુકને અપીલ કરીને અનશન સમાપ્ત કરવા કહ્યું છે.

    જાણીતા અભિનેતા કમલ હાસને જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી અને તેમના સમર્થકોને ભાવુક અપીલ કરી છે.

    કલમ હાસને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, “આપણે ત્યારે પણ સાંભળવું હતું જ્યારે એક બાળક રડ્યું હતું. પરંતુ આપણે ત્યાં સુધી રાહ જોઈ, જ્યાં સુધી આપણાં ઘણાં બાળકોનો જીવ ન ગયો.”

    “એવી વ્યવસ્થા, જેમાં ભણતરની જગ્યાએ કોચિંગ, જિજ્ઞાસાની જગ્યાએ ચિંતા અને યોગ્યતાની જગ્યાએ અપરાધે લઈ લીધી હોય, તે પૂર્ણ પ્રકારે સડી ગઈ છે.”

    તેમણે લખ્યું, “જ્યારે કોઈ દેશનાં બાળકોને જવાબ આપવાની જગ્યાએ બૅરિકેડ અને લાઠી મળે, તો એ દેશની વિફળતા છે. સોનમ વાંગચુક, આવનારા સમયમાં આ દેશને તમારી નૈતિક અવાજ ને માર્ગદર્શનની જરૂર પડશે, કૃપા કરીને તમારા અનશન સમાપ્ત કરો.”

    “ભારતનાં બાળકોને માત્ર એટલું જ કહેવું છે કે તમે અમારા કરતાં પણ બહેતર છો. તમે તમારું કર્તવ્ય નિભાવ્યું છે. હવે દેશનો વારો છે કે તેઓ તમારા પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવે. ઈશ્વર કરે, તમારાં સપનાં હંમેશાં અમારી વિફળતાઓથી મોટાં હોય.”

  4. જંતર-મંતર પર કેવો છે માહોલ, જુઓ તસવીરો

    જંતર-મંતર પર કેવો છે માહોલ, જુઓ તસવીરો
    જંતર-મંતર પર કેવો છે માહોલ, જુઓ તસવીરો
    જંતર-મંતર પર કેવો છે માહોલ, જુઓ તસવીરો
    જંતર-મંતર પર કેવો છે માહોલ, જુઓ તસવીરો
    જંતર-મંતર પર કેવો છે માહોલ, જુઓ તસવીરો
    જંતર-મંતર પર કેવો છે માહોલ, જુઓ તસવીરો
    જંતર-મંતર પર કેવો છે માહોલ, જુઓ તસવીરો
    જંતર-મંતર પર કેવો છે માહોલ, જુઓ તસવીરો
  5. પીએમ મોદીની પેપર લીકની તપાસ મામલે કરેલી ઘોષણા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

    પીએમ મોદીના પેપર લીકની તપાસ મામલે કરેલી ઘોષણા પર રાહુલ ગાંધીએ શું કહ્યું?

    ઇમેજ સ્રોત, @INC

    ઇમેજ કૅપ્શન, પીએમ મોદીને જવાબ આપતા લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું છે કે તમે જ અમારા યુવાનોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય તેમની પ્રાથમિકતા છે. તેમણે પેપર લીકના મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટની રચનાની જાહેરાત પણ કરી.

    વડા પ્રધાનનું આ નિવેદન પેપર લીક સહિત પરીક્ષાઓમાં કથિત અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓનાં પ્રદર્શનો વચ્ચે આવ્યું છે.

    પીએમ મોદીને જવાબ આપતા લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું છે, “તમે જ અમારા યુવાનોના ભવિષ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. તમે ન માત્ર આપણી શિક્ષણ વ્યવસ્થા પર કબજો કરવાથી તેને બરબાદ કરી પરંતુ તેને પ્રોત્સાહન પણ આપ્યું. તેને માટે જવાબદાર તમામ લોકોને તમે સંરક્ષણ આપ્યું.”

    રાહુલે કહ્યું કે વિદ્યાર્થીઓની આ માંગ છે.

    1. ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી હઠાવવામાં આવે.

    2. વિદ્યાર્થીઓની માફી માગવામાં આવે.

    3. વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.

  6. જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ પર કરાયેલા લાઠીચાર્જ બાદ પીએમ મોદી નીટ પેપર લીક પર શું બોલ્યા?

    જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ પર કરાયેલા લાઠીચાર્જ બાદ પીએમ મોદી નીટ પેપર લીક પર શું બોલ્યા?

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પીએમ મોદીએ કહ્યું કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે જલદી ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવામાં આવશે.

    દિલ્હીમાં છેલ્લા એક મહિનાથી પેપર લીકની ઘટનામાં મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે પહેલીવાર નિવેદન આપ્યું છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય સર્વોચ્ચ પ્રાથમિક્તા છે. પેપર લીકના તમામ કેસમાં દોષિતોને જલદી કઠોર સજા આપવા માટે, કેસના ઝડપી નિરાકરણ માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટનું ગઠન કરવામાં આવશે. આ સંબંધમાં આદેશ આપી દેવામાં આવ્યા છે કે સંબંધિત વિભાગ યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરે.”

    તેમણે વધુમાં ઉમેર્યું, “વિદ્યાર્થીઓનાં હિતોની સુરક્ષા કરવા માટે, સરકાર દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયોની શૃંખલામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્યની સાથે રમનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.”

  7. દિલ્હીના મેટ્રો સ્ટેશન આજે પણ રહેશે બંધ, કેટલાંક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા

    દિલ્હી મેટ્રોએ જણાવ્યું છે કે ગુરુવાર (23 જુલાઈ, 2026)ના રોજ તેનાં ઘણાં મેટ્રો સ્ટેશનો બંધ રહેશે.

    ઇમેજ સ્રોત, DMRC

    ઇમેજ કૅપ્શન, ગુરુવારે પણ દિલ્હી મેટ્રોનાં કેટલાંક સ્ટેશનો બંધ રહેશે.

    દિલ્હી મેટ્રોએ જણાવ્યું છે કે ગુરુવાર (23 જુલાઈ, 2026)ના રોજ તેનાં ઘણાં મેટ્રો સ્ટેશનો બંધ રહેશે.

    દિલ્હી મેટ્રોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેની જાણકારી આપતા કહ્યું કે “આગળનો આદેશ ન મળે ત્યાં સુધી નિમ્નલિખિત મેટ્રો સ્ટેશનો બંધ રહેશે, જોકે, રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટેરિએટ સ્ટેશનો પર ઇન્ટરચેન્જ (લાઇન બદલવાની સુવિધા) ઉપલબ્ધ રહેશે.”

    જે મેટ્રો સ્ટેશન બંધ રહેશે તે આ પ્રમાણે છે. લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, મંડી હાઉસ, સેન્ટ્રલ સેક્રેટેરિએટ, આઈટીઓ, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોર બાગ અને શિવાજી સ્ટેડિયમ

    જોકે, રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટેરિએટ સ્ટેશનો પર માત્ર લાઇન બદલવાની સુવિધા રહેશે. આ સ્ટેશનો પર યાત્રીઓ એન્ટ્રી કે ઍક્ઝિટ નહીં કરી શકે.

    આ પહેલાં બુધવારે દિલ્હી મેટ્રોએ કહ્યું હતું કે તેનાં તમામ સ્ટેશનો પૅસેન્જર સર્વિસ માટે ખુલ્લાં છે.

  8. દિલ્હી જંતર-મંતર: 'ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે કોઈ સમજૂતી નહીં', સીજેપીના પ્રવક્તા સૌરવ દાસ

    દિલ્હી જંતર-મંતર: સીજેપીની પ્રદર્શનકારીઓને શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવાની અપીલ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની પ્રેસ કૉન્ફરન્સ બાદ કૉક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મામલે કોઈ સમજૂતી નહીં થાય.

    કૉક્રોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે “મેં આજે (બુધવારે) સોનમ વાંગચુક સાથે ઘણી વખત વાતચીત કરી હતી. જેનો નિષ્કર્ષ એ હતો કે આ શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન માત્ર શાંતિપૂર્ણ જ રહેવું જોઈએ. તેમણે જાહેરમાં તમામ પ્રદર્શનકારીઓને શાંતિ જાળવવા અને વિરોધપ્રદર્શને યોગ્ય રીતે ચલાવવાની અપીલ કરી છે.”

    સૌરવ દાસે વધુમાં જણાવ્યું, “આ દેશમાં અગાઉ થયેલા વિરોધપ્રદર્શનમાં સત્તારૂઢ શાસન દ્વારા ઘૂસાડવામાં આવેલા અસામાજિક તત્ત્વો સમગ્ર પ્રદર્શનને ભટકાવી દે છે. અંતે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનારાઓને જ દોષિત ઠેરવવામાં આવે છે. આવું ન થવું જોઈએ.”

    તેમણે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની પ્રેસ કૉન્ફરન્સ અંગે કહ્યું, “જેપી નડ્ડાએ શરમ અનુભવવી જોઈએ. લોકો અહીં 30થી વધુ દિવસથી બેઠા છે. રાજકારણ તો તેઓ જ કરી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય અમને કશું ખપતું નથી. ત્યાં સુધી પ્રદર્શન ચાલુ જ રહેશે. પછી જેટલો પણ સમય લાગે.”

    ઉલ્લેખનીય છે કે બુધવારે દિલ્હી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે કનૉટ પ્લેસમાં ટૉલ્સ્ટૉય માર્ગ પાસે રાત્રે લગભગ 8-30 કલાકે કેટલાક ઉપદ્રવીઓએ પોલીસ પર બૉટલ અને પથ્થર ફેંક્યા હતા જેને કારણે કનૉટ પ્લેસના એસીપી વિવેક ભગત ઘાયલ થઈ ગયા હતા અને તેમને આરએમએલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

    દિલ્હીના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ જય પ્રકાશે પણ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે “જ્યારે અમે જંતર-મંતર પાસે ડ્યૂટી પર હતા ત્યારે કેટલાક લોકોએ અચાનક પ્લાસ્ટિકની બૉટલો અને પથ્થરો ફેંકવા લાગ્યા હતા. તે પૈકી એક પથ્થર મને પણ વાગ્યો હતો. હાલ મારી સારવાર ચાલી રહી છે. મને સામાન્ય ફ્રૅક્ચર થયું છે.”

    બીજી તરફ સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે ગુરુવારની વહેલી સવારથી જ જંતર-મંતર પર ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

    બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન