હજારો 'ગેરકાયદે' ઇમિગ્રન્ટ્સને કારણે ચર્ચામાં આવેલું સ્પેનનું સ્યૂટા કેમ ખાસ છે?
સ્પેનના સ્યૂટા અને મેલિલામાં પૈસા અને નોકરીની આશાએ હજારો ઇમિગ્રન્ટ્સ પ્રવેશ્યા છે.
આ વિસ્તારમાં નાના એવા આ બંને શહેર યુરોપિયન યુનિયનની સરહદ, ઇમિગ્રેશન અને મોરક્કો-સ્પેનના રાજકીય સંબંધોનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
તેથી અહીં સર્જાતી દરેક ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચે છે.
ભૌગોલિક દૃષ્ટિએ આ બંને વિસ્તાર આફ્રિકા ખંડમાં આવેલાં છે, છતાં યુરોપીય સંઘનો ભાગ હોવાથી તેને આફ્રિકા સાથે જોડતી એકમાત્ર જમીની સરહદ મનાય છે.
બીબીસીના એક અહેવાલ પ્રમાણે, સ્યૂટાનો વિસ્તાર અંદાજે 18.5 વર્ગ કિલોમીટર છે, જેની વસતિ લગભગ 80 હજાર છે.
જ્યારે મેલિલા 12 વર્ગ કિલોમીટરમાં ફેલાલેયું છે અને તેની વસતિ 85 હજાર જેટલી છે. આ શહેરોમાં સ્પેનિશ ઉપરાંત અરબી ભાષા પણ બોલાય છે.
અલજઝીરાના એક અહેવાલ મુજબ, મોરક્કોના ફનીડેક શહેરથી દરિયાઈમાર્ગે સ્યૂટા સુધીનું અંતર પાંચ કિલોમીટર જેટલું છે. અને કેટલાક સ્થળોએ તો આ અંતર એથી પણ ઓછું છે. ઇમિગ્રન્ટ્સ લાઈફ સેવિંગ જેકેટ અને ફ્લોટિંગ રિંગની મદદથી આ અંતર પાર કરીને પ્રવેશ્યા હતા.

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



