વૈભવ સૂર્યવંશીના 29 બૉલમાં 97 રન, સદી ચૂકી જવા પર કઈ ભૂલ સ્વીકારી?

ઇમેજ સ્રોત, ANI
બુધવારે રાત્રે IPLમાં ઍલિમિનેટર મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સૂર્યવંશીએ ઘણા રેકૉર્ડ તોડ્યા હતા. પરંતુ એક ખાસ નોંધનીય બાબત એ હતી કે તેમણે ક્રિસ ગેઇલનો એક જ સિઝનમાં સૌથી વધુ 59 છગ્ગા ફટકારવાનો રેકૉર્ડ પણ તોડ્યો, આ રેકૉર્ડ છેલ્લા એક દાયકાથી કોઈ તોડી શક્યું ન હતું.
રાજસ્થાન રૉયલ્સની ટીમે પહેલી બૅટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશીએ 12 સિક્સ અને પાંચ બાઉન્ડ્રીની મદદથી 29 બૉલમાં 334.48ના સ્ટ્રાઇક રેટથી 97 રન બનાવ્યા હતા.
ગઈ કાલે રમાયેલી IPLની ઍલિમિનેટર મૅચમાં વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બૅટિંગની ચારેકોર ચર્ચા થઈ રહી છે.
તેમની બૅટિંગ જોતાં ટીમનો સ્કોર 280 આસપાસ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી. પણ રાજસ્થાને 243 રન બનાવ્યા હતા જો કે અંતે રાજસ્થાન રૉયલ્સે હૈદરાબાદ સામે 47 રનથી જીત મેળવી.
આ સિઝનમાં વૈભવ સૂર્યવંશીએ ક્રિસ ગેઇલનો રેકૉર્ડ તોડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
સૂર્યવંશી ભલે IPL ઇતિહાસની સૌથી ઝડપી સદી ફક્ત ત્રણ રનથી ચૂકી ગયા હોય, પરંતુ વૈભવ હજુ પણ 680 રન સાથે ઑરેન્જ કૅપ ધરાવે છે.
આઈપીએલ પ્લે ઑફ મૅચમાં તેમના કરતા ઝડપી અડધી સદી (16 બૉલ) કોઈએ ફટકારી નથી.
વૈભવે આ સિઝનમાં કુલ 65 સિક્સર ફટકારીને વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિસ ગેઇલનો રેકૉર્ડ તોડી નાખ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એક ટી-20 ટુર્નામેન્ટ કે સિઝનમાં કોઈ પણ બૅટ્સમૅન દ્વારા મારવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે.
2012માં ક્રિસ ગેઇલે આઈપીએલ સિઝન દરમિયાન 59 છગ્ગા માર્યા હતા, ત્યારે 2026ની આ સિઝન દરમિયાન વૈભવ સૂર્યવંશીએ 65 છગ્ગા સાથે ક્રિસથી આગળ નીકળી ગયા હતા.
ત્યારે ક્રિસ ગેઇલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરતા તેને "ન્યૂ સિક્સ મશીન" કહ્યા હતા.
આ સાથે જ વૈભવે આ એક IPL સિઝનમાં 50થી વધુ સિક્સર મારનાર પ્રથમ ભારતીય પણ બની ગયા છે.
આઈપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ભારતીય બૅટ્સમૅન એક સિઝનમાં 50 સિક્સરના આંકડા સુધી પહોંચી શક્યો ન હતો. અભિષેક શર્માએ 2024માં 43 સિક્સ ફટકારી હતી.
વૈભવે 97 રન પર આઉટ થવાનું શું કારણ આપ્યું?

ઇમેજ સ્રોત, ANI
વૈભવે ગઈ કાલની મૅચ દરમિયાન કહ્યું, "મને કોચએ એવું કહ્યું હતું કે તું જે પ્રૅક્ટિસ દરમિયાન કરતો આવ્યો છે, તે આ મૅચમાં પણ કરજે."
"મને મૅચને ઍન્જૉય કરીને પ્રેશર લીધા વગર રમવા કહ્યું હતું."
વૈભવે કહ્યું, "મારી વિકેટ પડ્યા પછી પણ મને એવું લાગતું હતું કે અમારી ટીમના આરામથી 270 કે 280 જેટલા રન તો બની જશે."
વૈભવને જ્યારે પૂછવામાં આવ્યું કે, "શું તેમના મગજમાં આ લક્ષ્ય અગાઉથી જ હતું કે આ મૅચમાં સદી ફટકારવી તેના જવાબમાં વૈભવે કહ્યું, ના, હું અગાઉથી જ આ ધારીને નહોતો ચાલતો કે સદી ફટકારીશ."
તેમની વિકેટ વિશે વૈભવે જણાવ્યું, "તે શૉટ મેં ફિલ્ડરને જોઈને માર્યો એટલે હું તે શૉટ મિસ કરી ગયો."
"જો હું તેને થર્ડ મૅન પર જ મારતો, તો એ શૉટ પણ ક્લિયર થઈ જતો પણ હું સામેની તરફ મારવા ગયો એટલે ચૂકી ગયો."
વૈભવ સૂર્યવંશીએ 29 બૉલમાં 97 રન બનાવ્યા

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 29 બૉલમાં 334.48ના સ્ટ્રાઇક રેટથી 97 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશીએ 12 સિક્સ અને પાંચ બાઉન્ડ્રી ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીએ સનરાઇઝર્સ હૈદારાબાદના કૅપ્ટન અને દુનિયાના વર્તમાન સમયના મહાન બૉલરોમાંથી એક પૅટ કમિન્સની પહેલી ઓવરમાં સિક્સ ફટકારી હતી.
આ પછી વૈભવ સૂર્યવંશી પૅટ કમિન્સ ત્રીજી ઓવર નાખવા આવ્યા ત્યારે તેમને ત્રણ સિક્સ અને એક બાઉન્ડ્રી ફટકારી હતી. પૅટ કમિન્સે દરેક બૉલે ફિલ્ડિંગ બદલી હતી છતાં પણ વૈભવ સૂર્યવંશીએ સિક્સ ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીની આ ધમાકેદાર બૅટિંગના કારણે રાજસ્થાને 6 ઓવરમાં 80 રન બનાવ્યા હતા.
વૈભવ સૂર્યવંશીએ પ્રફુલ હિંગેએ નાખેલી આઠમી ઓવરમાં 26 રન ફટકાર્યા હતા, જોકે 97 રન પર હતા ત્યારે ઓવરના છેલ્લા બૉલે આઉટ થયા હતા.
વૈભવ સૂર્યવંશી 8 ઓવરના અંતે રાજસ્થાન રૉયલ્સની ટીમનો સ્કોર 125 રને લઈ ગયા હતા. યશસ્વી જયસ્વાલ 25 રન બનાવીને મેદાન પર હતા.
વૈભવ સૂર્યવંશી IPL 2026માં સૌથી વધારે રન બનાવનાર ખેલાડીની યાદીમાં ટોચ પર પહોંચી ગયા છે. તેમણે 15 મૅચમાં 680 રન બનાવ્યા છે. ત્યારે વૈભવ સૂર્યવંશી મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.
હવે રાજસ્થાન રૉયલ્સને IPLની ફાઇનલમાં પહોંચવા માટે હવે ચંદીગઢ ખાતે શુક્રવારે ગુજરાત ટાઇટન્સ સામે ક્વૉલિફાયર 2 મૅચમાં રમવું પડશે.
રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અગાઉથી જ ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




















